બે બૉલ બાકી રાખીને ભારતે જાળવ્યો રૅન્કિંગમાં બીજો નંબર

24 January, 2016 05:25 AM IST  | 

બે બૉલ બાકી રાખીને ભારતે જાળવ્યો રૅન્કિંગમાં બીજો નંબર



મનીષ પાન્ડે (૧૦૪), રોહિત શર્મા (૯૯) અને શિખર ધવન (૭૮)ની શાનદાર ઇનિંગ્સને કારણે સિડની ક્રિકેટ મેદાનમાં થયેલી સિરીઝની પાંચમી અને છેલ્લી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવીને સન્માન સાથે ભારતે સિરીઝનું સમાપન કર્યું હતું. આ જીતને કારણે ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાની ક્લીન સ્વીપને તો રોકી હતી જ ઉપરાંત ICC રૅન્કિંગમાં બીજો નંબર બચાવવામાં પણ સફળ રહી હતી. વળી ઑસ્ટ્રેલિયાને સતત ૧૯મી મૅચ જીતતાં પણ રોક્યું હતું.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે ૩૩૧ રનનો પડકાર આપ્યો હતો જેને ભારતે ચાર વિકેટ ગુમાવી અને બે બૉલ બાકી રાખીને મેળવ્યો હતો. આ જીતમાં કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ૩૪ રનનો મહત્વનો ફાળો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય વન-ડે કરીઅરમાં પોતાની પહેલી સદી ફટકારનાર મનીષ પાન્ડેને મૅન ઑફ ધ મૅચ તો સિરીઝમાં ૪૦૦ કરતાં વધુ રન બનાવનાર રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

સારી શરૂઆત

મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી. શિખર ધવન અને રોહિત શર્માએ પહેલી વિકેટ માટે ૧૨૩ રનની પાર્ટનરશિપ કરી. વિરાટ કોહલી જોકે નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બાદ આવેલા મનીષ પાન્ડેએ રોહિત સાથે ૯૭ રનની પાર્ટનરશિપ કરી. રોહિત શર્મા પોતાની ત્રીજી સદી પૂરી ન કરી શક્યો. ત્યાર બાદ ધોની મૅચ-ફિનિશરની ભૂમિકામાં વાપસી કરતો દેખાયો. બન્ને વચ્ચે ૯૪ રનની પાર્ટનરશિપ થઈ.

છેલ્લી રોમાંચક ઓવર

ભારતને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૩ રન જોઈતા હતા. પહેલો બૉલ વાઇડ હતો. જોકે બીજા બૉલમાં સિક્સર ફટકારીને ધોનીએ જીતને લગભગ પાકી કરી નાખી. જોકે ત્યાર બાદના બૉલમાં ધોની આઉટ થયો હતો. જોકે ત્રીજા બૉલમાં મનીષે ફોર ફટકારીને પોતાની પહેલી સદી પૂરી કરી અને ચોથા બૉલમાં વિજયી રન પણ લીધો હતો. એ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ હારીને ડેવિડ વૉર્નર (૧૨૨) અને મિચલ માર્શ (નૉટઆઉટ ૧૦૨)ની ઇનિંગ્સને કારણે સાત વિકેટે ૩૩૦ રનનો વિશાળ સ્કોર કર્યો હતો.

જો ભારતે T20માં ઑસ્ટ્રેલિયાને ૩-૦થી હરાવ્યું તો બની જશે નંબર વન ટીમ

ભારત ભલે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ હારી ગયું હોય, પરંતુ ૨૬ જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ T20 મૅચોની સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લે છે તો ICC T20 રૅન્કિંગમાં ટોચ પર પહોંચી શકે છે. જો ત્રણ મૅચ જીતે તો ૧૧૦ પૉઇન્ટને બદલે ૧૨૦ પૉઇન્ટ થશે અને ટોચ પર પહોંચી જશે. ઑસ્ટ્રેલિયાના આ પરિસ્થિતિમાં ૧૧૮ને બદલે ૧૧૦ પૉઇન્ટ થશે તો એ આઠમા સ્થાને આવી જશે. જો ભારત આ મૅચ ૨-૧થી જીતી જાય તો ઑસ્ટ્રેલિયા છઠ્ઠા સ્થાન પર આવી જશે અને ભારત સાતમા સ્થાને રહેશે.

ભારત અત્યારે આઠમા સ્થાન પર છે તો ઑસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકાના પણ ઑસ્ટ્રેલિયા જેટલા ૧૧૮ પૉઇન્ટ છે. ઑસ્ટ્રેલિયાને ટોચ પર પહોંચવા માટે સિરીઝ જીતવી પડશે. જો એ ૨-૧થી જીત મેળવે તો એના ૧૨૦ પૉઇન્ટ થઈ જશે. જો ૩-૦થી જીતે તો ૧૨૪ અને ભારતના ૧૦૩ પૉઇન્ટ થશે. ભારત જો હારે તો આઠમા ક્રમાંક પર યથાવત્ રહેશે, કારણ કે નવમા ક્રમાંકની અફઘાનિસ્તાનની ટીમના ૮૦ પૉઇન્ટ છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ અત્યારે ટોચ પર છે.

બોલિંગ-આક્રમણમાં સ્થિરતા નથી

છેલ્લી વન-ડેમાં જીત બાદ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે ‘સિરીઝમાં અમે ટક્કર આપી હતી. વન-ડેમાં દરેક ઓવર મહત્વની હોય છે. ખાસ કરીને મોટા સ્કોરવાળી મૅચો. ઓવરમાં ૧૫થી ૨૦ રન આપી દેવાને કારણે વિરોધી ટીમ માટે પરિસ્થિતિ સરળ થઈ જાય છે. અમારા બોલિંગ-આક્રમણમાં સ્થિરતા નથી.’