સેમી ફાઇનલ પહેલાં ટીમ ઈન્ડિયાને ફટકો, યુવરાજ ઈજાગ્રસ્ત

29 March, 2016 04:20 AM IST  | 

સેમી ફાઇનલ પહેલાં ટીમ ઈન્ડિયાને ફટકો, યુવરાજ ઈજાગ્રસ્ત


પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે યુવરાજ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં નહીં રમી શકે. પરિણામે અજિંક્ય રહાણે અથવા યુવરાજના કવર તરીકે ટીમમાં સામેલ મનીષ પાન્ડેને રમવાની તક મળી શકે છે. કર્ણાટકનો બૅટ્સમૅન મનીષ ગઈ કાલે જ મુંબઈ આવ્યો હતો. બીજી તરફ અજિંક્ય રહાણેને પણ તક મળે એવી શક્યતા છે. રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની મૅચ દરમ્યાન તે ઈજાગ્રસ્ત થયો હતો. તેનું મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) સ્કૅન કરવામાં આવ્યું હતું. મેડિકલ સ્ટાફને વિશ્વાસ છે કે યુવરાજ સેમી ફાઇનલ પહેલાં સારો થઈ જશે.

જો કોઈ સંજોગો અનુસાર તે સારો ન થાય તો રહાણે અથવા પાન્ડેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. પાન્ડે ઑસ્ટ્રેલિયા સામેની પાંચમી તથા છેલ્લી વન-ડેમાં રમ્યો હતો જેમાં તેણે પહેલી સદી પણ ફટકારી હતી. કૅપ્ટન ધોનીએ રવિવારે મૅચ બાદ કહ્યું હતું કે ‘અમને ખબર નથી કે અમે ટીમમાં ફેરફાર કરીશું, પરંતુ આ તમામ વસ્તુ પિચની પરિસ્થિતિ પર આધારિત છે. અમારે યુવરાજની ઈજાને પણ ધ્યાનમાં રાખવાની છે. જો ફિઝિયો ના પાડે તો અમારે તેનો વિકલ્પ પણ તૈયાર રાખવો પડશે.’

મોહાલીમાં પોતાની છેલ્લી મૅચ રમનાર શેન વૉટ્સને કહ્યું હતું કે ‘રહાણે બહુ જ સારો ક્રિકેટર છે, પરંતુ ભારતની વર્તમાન બૅટિંગ લાઇન-અપ જોતાં તેને ક્યાં સમાવવો એ એક મોટો પ્રશ્ન છે. તે તમામ પરિસ્થિતિમાં રન કરી શકે છે.’