મનદીપ સિંહ મુંબઈ માટે માથાનો દુખાવો

09 December, 2012 08:17 AM IST  | 

મનદીપ સિંહ મુંબઈ માટે માથાનો દુખાવો




વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈ સામેની ચાર દિવસની રણજી મૅચના પ્રથમ દિવસે પંજાબના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન મનદીપ સિંહે પોણાચાર કલાક સુધી કરેલી બૅટિંગમાં ૧૦૨ રન બનાવ્યા હતા અને નૉટઆઉટ રહ્યો હતો. તેની આ સેન્ચુરીથી પંજાબનું ટોટલ ચાર વિકેટે ૨૮૮ રન સુધી પહોંચી શક્યું હતું. મનદીપને ૬૭, ૭૪ અને ૯૩મા રને સ્લિપની ફીલ્ડરોના હાથે જીવતદાન મળ્યું હતું. પહેલા બે કૅચ અજિંક્ય રહાણેએ છોડ્યા હતા અને ત્રીજો કૅચ રોહિત શર્માએ પડતો મૂક્યો હતો.

મનદીપે આ રણજી સીઝનની આગલી પાંચ મૅચમાં માત્ર ૮૯ રન બનાવ્યા હતા. ગઈ કાલે તેની અને રવિ ઇન્દર સિંહ (પોણાચાર કલાકની બૅટિંગમાં ૭૬ રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારી થઈ હતી. મુંબઈએ ટૉસ જીતીને પંજાબને બૅટિંગ આપી હતી. કૅપ્ટન અજિત આગરકર અને ધવલ કુલકર્ણીને બે-બે વિકેટ મળી હતી, જ્યારે બીજા પાંચ બોલરો વિકેટ વિનાના રહ્યા હતા.

બીજી મુખ્ય રણજી મૅચોમાં શું બન્યું?

અમદાવાદમાં ગુજરાત સામે રાજસ્થાન પાંચ વિકેટે ૧૮૨ રન.

રાજકોટમાં બેન્ગાલ સામે રવીન્દ્ર જાડેજાના ૭૦ રનની મદદથી સૌરાષ્ટ્ર ૨૦૯ રનમાં ઑલઆઉટ અને પછી બેન્ગાલ વિના વિકેટે ૭ રન.

વડોદરામાં ઓડિસાને લેફ્ટી સ્પિનર ભાર્ગવ ભટ્ટની ૬ વિકેટની મદદથી ૧૮૧ રન પર ઑલઆઉટ કર્યા પછી બરોડા એક વિકેટે ૩૪ રન.