SRH VS KKR: પરાજય છતાં પાંચ વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચ

11 May, 2022 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉમરાન મલિક પછી જસપ્રીત બુમરાહના પર્ફોર્મન્સની હાર પછી પણ થઈ કદર

ઉમરાન મલિક

બુધવાર, વાનખેડે સ્ટેડિયમમાં ૨૭ એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે પચીસ રનમાં પાંચ વિકેટ લીધી છતાં રાહુલ તેવતિયાની ફટકાબાજી બાદ રાશિદ ખાનની ત્રણ વિનિંગ સિક્સરને કારણે ગુજરાત ટાઇટન્સનો પાંચ વિકેટથી વિજય થયો હતો. સોમવાર, ૯ મેએ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ફક્ત ૧૦ રનમાં પાંચ વિકેટ લીધી છતાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ બાવન રનથી જીતવામાં સફળ થઈ હતી.
જોકે આ બે પરાજિત ટીમના ફાસ્ટ બોલર વચ્ચે એક સામ્ય એ પણ છે કે તેમની ટીમે આ જે મૅચમાં પરાજય જોવો પડ્યો એમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આ બન્ને ફાસ્ટ બોલરને મળ્યો હતો. ૨૭મીએ ઉમરાન પહેલી વાર આઇપીએલમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો અને તેણે એ પુરસ્કાર જમ્મુમાં નાનકડા સ્ટૉલમાં ફળ વેચતા તેના પિતાને સમર્પિત કર્યો હતો. સોમવારે બુમરાહે પહેલી વખત આઇપીએલની એક મૅચમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી અને તેને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
ટૂંકમાં, આ બન્ને ફાસ્ટ બોલર્સ પરાજયની નિરાશા વચ્ચે પોતાની બોલિંગની ખરી કદર થવા બદલ થોડા ખુશ હતા.
બુમરાહ માટે આ આઇપીએલ નિરાશાજનક રહી છે. સોમવારની પાંચ વિકેટને બાદ કરતાં આગલી ૧૦ મૅચમાં તે કુલ પાંચ વિકેટ લઈ શક્યો હતો. જોકે હૈદરાબાદના મુખ્ય બોલર્સમાંના એક ઉમરાને ૧૧ મૅચમાં કુલ ૧૫ વિકેટ લીધી છે.

sports news sunrisers hyderabad kolkata knight riders