મલિક, મોહસિન અને કાર્તિકે સિલેક્ટરોને કર્યા પ્રભાવિત

22 May, 2022 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામે રમાનારી પાંચ ટી૨૦ મૅચની સિરીઝ માટેના ભારતીય ટીમના ખેલાડીઓની આજે થશે જાહેરાત

મલિક, મોહસિન અને કાર્તિકે સિલેક્ટરોને કર્યા પ્રભાવિત

આઇપીએલમાં સારું પ્રદર્શન કરનાર યુવા ખેલાડી ઉમરાન મલિક અને મોહસિન ખાન તથા અનુભવી શિખર ધવન તેમ જ દિનેશ કાર્તિકનું આજે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી ટી૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમમાં પસંદગી થાય એવી શક્યતા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત તરફથી રમનાર હાર્દિક પંડ્યાનો પણ ૯ જૂનથી શરૂ થનારી પાંચ મૅચની સિરીઝમાં પસંદગી થાય એવી શક્યતા છે. 
સતત બે મહિનાથી ચાલતી આઇપીએલ તેમ જ ૧૫ જૂનથી ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે જતી હોવાથી દરેક ફૉર્મેટમાં રમતા રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને ઘરઆંગણે રમાનારી સિરીઝમાં આરામ અપાય એવી શક્યતા છે. જૂનના અંતમાં રમાનારી ટી૨૦ સિરીઝ માટે પણ ખેલાડીઓની પસંદગી થશે. એવા સંજોગોમાં ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન જે રીતે ધવનને કૅપ્ટન બનાવાયો હતો એ જ પ્રમાણે ગુજરાતના કૅપ્ટન તરીકે સારો દેખાવ કરનાર હાર્દિક પંડ્યાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. લેફ્ટી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પણ ડેથ ઓવરમાં સારું પ્રદર્શન કર્યું છે. બૅટિંગમાં સારું પ્રદર્શન કરનાર તિલક વર્માની પણ પસંદગી થાય એવી શક્યતા છે. મિડલ ઑર્ડરમાં દીપક હૂડા અને વેન્કટેશ ઐયરને સિલેક્ટરો તક આપશે કે નહીં એ જોવાનું રહેશે. બૅન્ગલોર તરફથી સારું પ્રદર્શન કરનાર દિનેશ કાર્તિક પણ ટીમમાં વાપસી કરે એવી શક્યતા છે, તો ફિનિશર તરીકે રાહુલ તેવટિયાના નામની પણ ચર્ચા થશે. સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે પણ તમામનું ધ્યાન ખેંચ્યું છે.

sports news cricket news