એક પણ વખત આ સ્પર્ધાની ફાઇનલમાં ન પહોંચવાનો ક્રમ જાળવ્યો ભારતે

14 December, 2014 05:15 AM IST  | 

એક પણ વખત આ સ્પર્ધાની ફાઇનલમાં ન પહોંચવાનો ક્રમ જાળવ્યો ભારતે


ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં રમતની છેલ્લી બે મિનિટ બાકી હતી ત્યારે પાકિસ્તાનના મોહમ્મદ કાદિરે ગોલ કરીને ફાઇનલમાં તેની ટીમનું જર્મની સામેની ટક્કર માટે સ્થાન પાકું કરી લીધું હતું. જર્મનીએ બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને ૩-૨થી હરાવ્યું હતું.

પ્રથમ વખત ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચવાના મક્કમ ઇરાદા સાથે ભારતે એની રમતની શરૂઆત કરી હતી. પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી ત્રણ વખત ચૅમ્પિયન રહી ચૂક્યું છે. પાકિસ્તાન પણ મક્કમ હતું એથી ગોલકીપર આર. શ્રીજેશનું કામ ઘણું વધી ગયું હતું. મૅચની ૧૨મી મિનિટમાં જ ભારતે ગોલ કરીને લીડ મેળવી હતી, પરંતુ પાકિસ્તાને પહેલા બ્રેક બાદ સ્કોર લેવલ કર્યો. કાદિરનો આ પહેલો ગોલ હતો. મૅચમાં ત્યાર બાદ પાકિસ્તાને બે વખત લીડ મેળવી,પરંતુ દરેક વખતે ભારતે ગોલ કરીને મૅચ બરોબરી પર લાવી દીધી હતી.એવું લાગી રહ્યું હતું કે એશિયન ગેમ્સની જેમ મૅચ ટાઇબ્રેકરમાં પરિણમશે, પરંતુ બે મિનિટ બાકી હતી ત્યારે જ કાદિરે ફરીથી મૅચનો પોતાનો બીજો ગોલ કરીને તેની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.