ટીમ ઈન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની મેન્ટર તરીકે એન્ટ્રી, BCCIએ કર્યુ સ્વાગત

18 October, 2021 01:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહેન્દ્ર સિંહ ધોની  મેન્ટર તરીકે  T20 વર્લ્ડ કપમાં વિરાટ બ્રિગેડની સાથે કામ કરશે.

એમએસ ધોની

બે વર્ષ બાદ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ભારતીય ટીમમાં જોડાયા છે. મહેન્દ્ર સિંહ ધોની  મેન્ટર તરીકે  T20 વર્લ્ડ કપમાં વિરાટ બ્રિગેડની સાથે કામ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે એમ.એસ ધોનીની ભારતીય ટીમની સાથે તસ્વીર શેર કરી છે. બોર્ડે એમએસ ધોનીના સ્વાગતમાં એક ટ્વિટ કર્યું છે અને તેમને કિંગ કહ્યાં છે. 

મહેન્દ્ર સિંહ ધોની ભારતને કેપ્ટન તરીકે વિશ્વ કપ જીતાડી ચૂક્યા છે. એક વર્ષ પહેલા તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. એમ.એસ ધોનીને માત્ર ભારતના નહિ પણ વિશ્વના બેસ્ટ કેપ્ટનોમાંના એક માનવામાં આવે છે.  તેમની કાબિલિયત અને અનુભવનો લાભ લેવા માટે બીસીસીઆઈએ (BCCI)તેમને ભારતીય ટીમ સાથે જોડ્યા છે. 


ઉલ્લેખનીય છે કે ધોનીએ બે દિવસ પહેલા જ ચેન્નાઈ સુપરકિંગ્સને પોતાની કેપ્ટનશીપમાં આઈપીએલ જીતાડી છે. BCCI એ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. જેમાં,  મહેન્દ્ર સિંહ ધોની રવિવારે ભારતીય ટીમના કોચ અને ખેલાડીઓની સાથે મેદાનમાં જોવા મળે છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે `કિંગનું ભવ્ય સ્વાગત છે.` 


ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે મેચ રમશે. આ મેચ પહેલા ભારત બે વોર્મઅપ મેચ પણ રમશે. વોર્મઅપ મેચમાં તેની ટક્કર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે થશે.અહીં નોંધવું રહ્યું કે 15 ઓગસ્ટ 2020ના રોજ એમ.એસ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. જોકે તે IPLમાં હાલ પણ રમી રહ્યાં છે.  વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે અંતિમ મેચ રમ્યા હતાં. 

 

Sports news cricket news t20 T20 world cup