આપ કો કભી મૈંને બૂરા બોલા હૈ દાદા? ઈડનના તમે જ બૉસ છો : ધોની

06 December, 2012 07:39 AM IST  | 

આપ કો કભી મૈંને બૂરા બોલા હૈ દાદા? ઈડનના તમે જ બૉસ છો : ધોની




વડીલ સાથેના વિવાદનો અંત: ગઈ કાલે ઈડનમાં ટૉસ જીતી લીધા બાદ ૮૩ વર્ષની ઉંમરના પિચ-ક્યુરેટર પ્રબીર મુખરજીને મળીને સમાધાન કરી લેતો ધોની. તસવીર: કાશીનાથ ભટ્ટાચાર્જી

સેહવાગે સ્કૂલના બાળક જેવી ભૂલ કરીને રનઆઉટમાં વિકેટ ગુમાવી : ગંભીરે અને યુવીએ કૅચની ભેટ આપી

કલકત્તા: ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટસિરીઝમાં ગઈ કાલે ત્રીજી મૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર સ્પોર્ટ્સ પર સવારે ૯.૦૦)ના પ્રથમ દિવસે ભારતે કમબૅકમૅન સચિન તેન્ડુલકર (૭૬ રન, ૧૫૫ બૉલ, ૧૩ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી ૭ વિકેટે ૨૭૩ રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર અને ગૌતમ ગંભીર (૬૦ રન, ૧૨૪ બૉલ, ૧૨ ફોર)ની વળતી લડતને બાદ કરતા ઇંગ્લિશ બોલરોનો હાથ ઉપર રહ્યો હતો.

વીરïુએ સમિતના થ્રોમાં વિકેટ ગુમાવી

ગઈ કાલે ભારતે ઈડનમાં ૬૭,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં સાતમાંથી ત્રણ વિકેટ ફેંકી ન દીધી હોત તો પહેલા જ દિવસે મૅચ પર ભારતની મજબૂત પકડ આવી ગઈ હોત. વીરેન્દર સેહવાગે ખૂબ સારી શરૂઆત કર્યા પછી ૨૩ રનના પોતાના સ્કોર પર રનઆઉટમાં વિકેટ ફેંકી દીધી હતી. સેહવાગે બે રન દોડી લીધા પછી ત્રીજો રન લેવાની લાલચમાં વિકેટ ગુમાવી હતી. તેણે બીજો રન પૂરો કર્યો ત્યારે તેની પીઠ બાઉન્ડરી લાઇનની નજીક બૉલ અટકાવનાર સમિત પટેલ અને બૉલ ફેંકી રહેલા સ્ટીવન ફિનની દિશામાં હોવાથી બન્નેને તે જોઈ નહોતો શક્યો અને ત્રીજો રન લેવા ક્રીઝની ઘણો બહાર નીકળી ગયો હતો.

સામા છેડેથી ગંભીરે બૉલ તરફ જોતા રહીને સેહવાગને ત્રીજો રન ન લેવાની બૂમ પાડી હતી, પરંતુ સેહવાગ એ ચેતવણીને ધ્યાનમાં લીધા વગર દોડી આવ્યો હતો. એટલામાં ફિનના પરફેક્ટ થ્રોમાં વિકેટકીપર મૅટ પ્રાયરે બૉલ ઝીલી લીધો હતો અને પિચ પર અડધે સુધી પહોંચી ગયા બાદ પાછા આવી રહેલા સેહવાગને રનઆઉટ કરી દીધો હતો.

ગંભીરે વાનખેડેની આગલી મૅચના હીરો મૉન્ટી પનેસરના બૉલમાં લુઝ કટ મારવા જતાં વિકેટ ગુમાવી હતી. તે સ્લિપમાં જોનથન ટ્રૉટના હાથમાં કૅચઆઉટ થયો હતો. ગ્રેમ સ્વૉનના બૉલમાં યુવરાજ સિંહ કવરમાં ઍલસ્ટર કુકને કૅચ આપી બેઠો હતો.

મૉન્ટીની મૅરથૉન બોલિંગ

ઈડન ગાર્ડન્સની વિકેટ ગઈ કાલે પ્રથમ દિવસે બૅટ્સમેનોને વધુ માફક આવે એવી હતી. જોકે આ ફ્લૅટ વિકેટ પર લેફ્ટી સ્પિનર મૉન્ટી પનેસરે સતત ૨૧ ઓવર બોલિંગ કરીને ભારતીયોને કન્ટ્રોલમાં રાખ્યા હતા.