24 July, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા
ભારતીય T20 ટીમના વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં હાર મામલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તિલક વર્મા કહે છે કે ‘સાચું કહું તો શ્રેયસભાઈ હાલમાં એક સફળ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેથી સ્પષ્ટપણે જવાબદારીઓ અને અપેક્ષાઓ હશે. ઉપરાંત આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની પરિસ્થિતિઓ અલગ હતી. જો તમે છેલ્લાં બે વર્ષ પર નજર નાખો તો અમે એશિયામાં વધુ મૅચ રમી છે. વર્ષ પછી અમે સીધા વિદેશી પરિસ્થિતિઓમાં રમવા માટે પાછા આવ્યા અને એ પણ એક સારી ટીમ સામે. ઇંગ્લૅન્ડ ખૂબ સારી ટીમ છે. આપણે બધાએ જોયું કે તેઓ T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં કેવી રીતે રમ્યા. તેથી દેખીતી રીતે સારી ટીમ સામે સારી પરિસ્થિતિઓમાં રમવું પડકારજનક હતું.’
૨૦૨૪નો વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતે એશિયા કપ અને ૨૦૨૬નો વર્લ્ડ કપ સહિત ૧૦ T20 સિરીઝ એશિયામાં રમી હતી. ભારતે એશિયાની બહાર ૨૦૨૪માં ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકા અને ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયાની T20 ટૂર કરી હતી.
તિલક વર્માનું પ્રદર્શન સાધારણ
ભારતના વાઇસ-કૅપ્ટન તરીકે પહેલી બે સિરીઝમાં તિલક વર્માનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. તેણે આયરલૅન્ડ સામે ૧૯ રન અને પંચાવન રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લૅન્ડ સામે તેણે પાંચ મૅચની સિરીઝમાં અનુક્રમે ૧૩ રન, ૨૪ રન અણનમ, ત્રણ રન, ૧૧ રન અને ૫૩ રનની ઇનિંગ્સ રમી હતી.