સ્ટેડિયમનો ૩૫ લાખ રૂપિયાનો ચાવીનો ઝૂડો પોલીસે ગુમાવી દીધો

31 July, 2012 05:29 AM IST  | 

સ્ટેડિયમનો ૩૫ લાખ રૂપિયાનો ચાવીનો ઝૂડો પોલીસે ગુમાવી દીધો

લંડન ઑલિમ્પિક્સને માંડ ચાર દિવસ થયા છે ત્યાં સલામતી વ્યવસ્થાની ઑર એક ગંભીર કચાશ બહાર આવી છે. લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં ફૂટબૉલની મૅચો રમાઈ રહી છે. ફાઇનલ પણ આ જ સ્થળે રમાશે. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ સ્ટેડિયમની આંતરિક સલામતી વ્યવસ્થાને લગતા દરવાજાઓની ચાવીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. આ નવા બનાવને કારણે પોલીસ તેમ જ સિક્યૉરિટી ગાર્ડ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ચર્ચાસ્પદ થયા છે.

ગયા મંગળવારે વેમ્બ્લી સ્ટેડિયમની ચાવીનો ઝૂડો સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસની એક ટુકડીથી ક્યાંક ખોવાઈ ગયો હતો અને ત્યારથી અનેક પોલીસો એ શોધી રહ્યા છે. આ ઝૂડાની તમામ ચાવીઓ સલામતીના હેતુસર હાઇ-ટેક લેઝર ટેક્નિકથી બનાવવામાં આવી હતી અને એ ફરી બનાવવા માટે ૪૦,૦૦૦ પાઉન્ડ (૩૫ લાખ રૂપિયા)નો ખર્ચ થાય એમ છે. પોલીસે આ બનાવ બન્યા પછી લૉક બદલી નાખ્યા છે.

ચાવીનો ઝૂડો ચોરાઈ ગયો હોવાની પોલીસને ઓછી શંકા છે. તેમના મતે કેટલાક પોલીસ અધિકારીઓથી એ ક્યાંક ગુમાઈ ગયો છે.

બે-ત્રણ દિવસ સુધી આ ઝૂડો ખોવાઈ જવાના બનાવ માટે કોણ જવાબદાર એ મુદ્દે પોલીસ, ઑલિમ્પિક્સની આયોજન સમિતિ અને રમતોત્સવની સિક્યૉરિટી માટે નિયુક્ત G4S (ગ્રુપ ૪ સિક્યૉરિકૉર) નામની બ્રિટનની સૌથી મોટી સિક્યૉરિટી કંપનીના અધિકારીઓ વચ્ચે તકરાર ચાલતી હતી. જોકે રવિવારે રાત્રે સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસે કબૂલ્યું હતું કે અમારા જ કેટલાક અધિકારીઓથી ચાવીનો ઝૂડો ક્યાંક ગુમાઈ ગયો છે.

હાઇ-ટેક લેઝર ટેક્નિકથી બનાવેલી આવી જ ચાવીઓ બ્રિટનની મોટી જેલમાં વપરાતી હોય છે.

સૈનિક સામે સિક્યૉરિટી ગાર્ડ થૂંક્યો

લૉર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડમાં શનિવારે તીરંદાજીની હરીફાઈ વખતે એક સિક્યૉરિટી ગાર્ડે એક સૈનિક સાથેના ઝઘડા દરમ્યાન તેની સામે થૂક્યો અને તેને ગાળ આપી એ બદલ આ ગાર્ડ વિરુદ્ધ તપાસ થઈ રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે ચાલતા યુદ્ધમાં બ્રિટને ૧૮,૦૦૦ સૈનિકો મોકલ્યા છે. સૈનિકોની આ ભૂમિકાને લગતો રોષ લૉર્ડ્સના સિક્યૉરિટી ગાર્ડમાં ભભૂકતો હોવાનું તેના અપશબ્દો પરથી લાગે છે. તેણે સૈનિકને ‘બેબી કિલર’ કહીને તેનો માનભંગ કર્યો હતો. સિક્યૉરિટી ગાર્ડ્સની માલિકી ધરાવતી કંપનીએ આ રક્ષક સામે તપાસ શરૂ કરી છે અને તે કસૂરવાર સાબિત થશે તો તેની સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

ઑલિમ્પિક્સની સલામતી વ્યવસ્થામાં ૪ દિવસમાં ૪ મોટી ગરબડ

ઑલિમ્પિક્સની સલામતી માટેની જવાબદારી G4S (ગ્રુપ ૪ સિક્યૉરિકૉર) નામની બ્રિટનની સૌથી મોટી સિક્યૉરિટી કંપનીને સોંપવામાં આવી છે. કંપનીએ આ મહત્વના કામ માટે ઑલિમ્પિક્સના આયોજકો પાસેથી ૨૮ કરોડ ૪૦ લાખ પાઉન્ડ (૨૪ અબજ ૪૨ કરોડ ૪૦ લાખ રૂપિયા) લીધા છે. જોકે આખા રમતોત્સવ દરમ્યાન પોતે પૂરતા સિક્યૉરિટી ગાર્ડ્સ પૂરાં નહીં પાડી શકે એવું આ કંપનીએ કહ્યા પછી બ્રિટિશ સરકારે ૧૮,૦૦૦ સૈનિકોને સલામતી માટે મોકલવા પડ્યા છે. આટલા જવાનો અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે લડવા માટે પણ નથી મોકલવામાં આવ્યા. માંડ ૯,૦૦૦ સૈનિકોને આતંકની પ્રવૃત્તિઓ કરતા લોકો સામેના યુદ્ધમાં મોકલવામાં આવ્યા છે. ઑલિમ્પિક્સમાં સૈનિકોની મદદ લેવી પડી એ ઘટના બદલ G4S તેમ જ આયોજન સમિતિ વિવાદાસ્પદ થયા છે.

શુક્રવારની ઓપનિંગ સેરેમનીની પરેડમાં ભારતીય ઍથ્લીટો સાથે એક અજાણી મહિલા જોડાઈ ગઈ એ બદલ સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ્સની આકરી ટીકા થઈ રહી છે.

ઑલિમ્પિક્સના પહેલા જ દિવસથી સ્ટેડિયમો ખાલી રહે છે. જોકે આયોજન સમિતિએ ગઈ કાલે જિમ્નેસ્ટિક્સની સ્પર્ધાના સ્ટેડિયમમાં ૧૦૦ જેટલાં પુરુષ અને મહિલા સૈનિકોને બેસવા બોલાવતાં બ્રિટનમાં ચકચાર જાગી છે.

ફૂટબૉલની સ્પર્ધા માટેના વેમ્બ્લી સ્ટેડિયમની આંતરિક સલામતી માટેના દરવાજાઓની ચાવીનો ઝૂડો સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસથી ખોવાઈ ગયો છે.