લાજવાબ લંડન

11 September, 2012 05:49 AM IST  | 

લાજવાબ લંડન



સૌથી સફળ પૅરાલિમ્પિક્સ તરીકે ગણાવવામાં આવતા લંડન રમતોત્સવનો રવિવારે રાત્રે ભવ્ય, જાજરમાન અને ઇમોશનલ સેલિબ્રેશન સાથે અંત આવ્યો હતો. જાણીતા ઇન્ટરનૅશનલ રેપ અને પૉપસિંગરોના પર્ફોર્મન્સિસ સાથે બ્રિટિશ કલ્ચરની છાંટવાળા ત્રણ કલાકના આ અદ્ભુત સમારોહમાં સ્ટેડિયમમાં હાજર ૮૦,૦૦૦ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. છેલ્લે લંડનના મેયરે ઇન્ટરનૅશનલ પૅરાલિમ્પિક્સ સમિતિના અધ્યક્ષની હાજરીમાં ૨૦૧૬ના યજમાન બ્રાઝિલના રિયો ડી જાનેરોના મેયરને પૅરાલિમ્પિક્સનો ફ્લૅગ સોંપ્યો હતો. ૧૧ દિવસના પૅરાલિમ્પિક્સમાં કુલ ૨૫૧ નવા વર્લ્ડ રેકૉર્ડ સર્જાયા હતા.

છેલ્લો ગોલ્ડ રશિયાના નામે : ૯૫ ગોલ્ડ સાથે ચીન પ્રથમ

રવિવારે સમાપન સમારોહ પહેલાં યોજાયેલી છેલ્લી સેવન એ સાઇડ ફૂટબૉલની ફાઇનલમાં રશિયાએ યુક્રેનને ૧-૦થી હરાવીને છેલ્લો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રમતોત્સવનો પહેલો ગોલ્ડ ચીને જીત્યો હતો. ચીને આ પૅરાલિમ્પિક્સમાં ૯૫ ગોલ્ડ મેડલ જીતીને આ રમતોત્સવનો નવો વિક્રમ સરજ્યો છે. મેડલની યાદીમાં ચીન ૯૫ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૬૫ બ્રૉન્ઝ સાથે પ્રથમ અને રશિયા ૩૬ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૨૮ બ્રૉન્ઝ સાથે બીજા નંબરે રહ્યું હતું. યજમાન બ્રિટન ૩૪ ગોલ્ડ, ૪૩ સિલ્વર અને ૪૩ બ્રૉન્ઝ સાથે ત્રીજા નંબરે રહ્યું હતું.

તસવીરો : એએફપી