લાયન્સ લો-સ્કોરિંગ મૅચ જીતી સેમીમાં

21 October, 2012 05:17 AM IST  | 

લાયન્સ લો-સ્કોરિંગ મૅચ જીતી સેમીમાં



જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકાની ટોચની T20 ટીમ હાઇવેલ્ડ લાયન્સે ગઈ કાલે ઇંગ્લૅન્ડની યૉર્કશરને ૪ બૉલ બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપવાની સાથે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગ્રુપ ‘બી’માંથી ૧૨ પૉઇન્ટ ધરાવતી હાઇવેલ્ડ લાયન્સ સાથે ૧૨ પૉઇન્ટવાળી સિડની સિક્સર્સ પણ સેમીમાં ગઈ છે. એક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમીમાં જઈ રહી હોવાથી હવે આ ગ્રુપની ટીમો ગયા વર્ષના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ, આઇપીએલના રનર્સ-અપ ચેન્નઈ સુપર કિંગ્સ અને યૉર્કશરના પડકારનો અંત આવી ગયો હતો.

સાયમ્સ મૅન ઑફ ધ મૅચ

બૅટિંગ મળ્યાં પછી યૉર્કશર ૨૦ ઓવરમાં ૭ વિકેટે માત્ર ૧૩૧ રન બનાવી શક્યું હતું. સોહેલ તનવીર અને સ્ટાર-સ્પિનર ઍરોન ફૅન્ગિસોએ બે-બે વિકેટ લીધી હતી. હાઇવેલ્ડ લાયન્સે ખરાબ શરૂઆત પછી મૅચને રોમાંચક બનાવી દીધી હતી. આ ટીમે ૪૩ બૉલમાં જીતવા ૪૩ રન બનાવવાના હતા ત્યારે એની ૭ વિકેટ બાકી હતી. જોકે ક્વિન્ટન ડિકૉક (૩૨ રન, ૩૫ બૉલ, બે સિક્સર, બે ફોર) અને ડ્વેઇન પ્રીટોરિયસ (પચીસ રન, ૧૪ બૉલ, એક સિક્સર, બે ફોર)ની આક્રમક ઇનિંગ્સ પછી જીન સાયમ્સે (૨૭ નૉટઆઉટ, બાવીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અણનમ ઇનિંગ્સથી હાઇવેલ્ડ લાયન્સે ચાર બૉલ બાકી રાખીને વિજય અપાવ્યો હતો. સાયમ્સને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

મુંબઈ-ચેન્નઈ મૅચ અર્થ વિનાની

ગઈ કાલે પછીથી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મૅચ બન્ને માટે અર્થ વગરની હતી.