પહેલી મૅચમાં માત્ર ૪૭ સેકન્ડ જ રમી શક્યો હતો વિશ્વનો શ્રેષ્ઠ ફુટબૉલર લિયોનેલ મેસી

28 June, 2016 06:28 AM IST  | 

પહેલી મૅચમાં માત્ર ૪૭ સેકન્ડ જ રમી શક્યો હતો વિશ્વનો શ્રેષ્ઠ ફુટબૉલર લિયોનેલ મેસી


આર્જેન્ટિનાની ટીમ ચોથી વખત ફાઇનલમાં હારી જતાં દુખી થયેલા વિશ્વપ્રસિદ્ધ ફુટબૉલ ખેલાડી લિયોનેલ મેસીએ છેવટે હાર માની લીધી હતી અને આંતરરાષ્ટ્રીય રમતને અલવિદા કહી દીધું હતું. તેનો સંઘર્ષ હવે પહેલાં જેવો નહોતો રહ્યો. જોકે આ જ મેસીએ બાળપણમાં મોટી બીમારી સામે પણ હાર નહોતી માની તેમ જ પોતાની લગન અને મહેનતથી મહાન ફુટબૉલર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું. પાંચ વખત વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબૉલ ખેલાડી અને ત્રણ વખત યુરોપિયન ગોલ્ડન શૂનો ખિતાબ જીતનાર એકમાત્ર ખેલાડી હોવા છતાં મેસીને ઘણી વખત પોતાના દેશના સમર્થકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

પહેલાં બીમારીને આપી હતી માત

લિયોનેલ મેસી બાળપણમાં ગ્રોથ હૉર્મોનની અછતથી પીડાતો હતો. પરિણામે તેનો શારીરિક વિકાસ અટકી ગયો હતો. ચાર વર્ષની ઉંમરથી ફુટબૉલ પાછળ ગાંડા થયેલા મેસીને ૧૧ વર્ષની ઉંમરે આ બીમારીની ખબર પડી. જોકે તેની પાસે ઇલાજ માટેના રૂપિયા નહોતા. ત્યારે સ્પેનમાં રહેતા મેસીના રિલેટિવ્સે તેને બાર્સે‍લોના ક્લબ સાથે જોડાવાની સલાહ આપી. આ ક્લબે ૧૩ વર્ષના મેસીને પોતાની ક્લબમાં સમાવ્યો તેમ જ ઇલાજની જવાબદારી પણ લીધી. માત્ર ત્રણ વર્ષમાં મેસી ફિટ થઈ ગયો.

૪૭ સેકન્ડમાં મળ્યું રેડ કાર્ડ

ક્લબ તરીકે તે બાર્સે‍લોના વતી રમતો રહ્યો, પરંતુ દેશના પ્રતિનિધિત્વ તરીકે તેણે આર્જેન્ટિનાની જ પસંદગી કરી. મેસીએ ઑગસ્ટ-૨૦૦૫માં હંગેરી સામે પોતાની પહેલી મૅચ રમી જેમાં તે માત્ર ૪૭ સેકન્ડ જ રમી શક્યો, કારણ કે તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું.

અવૉર્ડ સ્વીકારવાની ના પાડી


૨૦૧૪ના ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં જર્મની સામે આર્જેન્ટિનાની ટીમ હારી ગઈ. હારને કારણે દુખી મેસીએ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ અવૉર્ડ સ્વીકારવાની ના પાડી હતી. છેલ્લે ઘણી સમજાવટ બાદ અવૉર્ડ લીધો હતો.

ઑલિમ્પિક્સમાં ગોલ્ડ

૨૦૦૮માં મેસીએ ઑલિમ્પિક્સમાં આર્જેન્ટિનાને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ તેની દેશ માટેની સૌથી મોટી ઉપલબ્ધિ રહી હતી, કારણ કે તેની હાજરી છતાં આર્જેન્ટિના ચાર વખત ફાઇનલમાં હારી ગયું હતું. આર્જેન્ટિનાના મહાન ફુટબૉલ ખેલાડી ડિએગો મૅરડોનાએ મેસીને પોતાનો ઉત્તરાધિકારી ગણાવ્યો હતો. જોકે તેણે નેતૃત્વક્ષમતાને લઈને મેસીની ટીકા પણ કરી હતી. યુરો-૨૦૧૬ પહેલાં મૅરડોનાએ કહ્યું હતું કે મેસી ઘણી સારી વ્યક્તિ છે, પરંતુ તેનામાં નેતૃત્વના ગુણની કમી છે.

ચાર વખત ફાઇનલમાં હાર

૨૦૦૭ના કોપા અમેરિકાની ફાઇનલ સહિત આર્જેન્ટિનાની ટીમ મેસીની હાજરી છતાં ચાર વખત ફાઇનલમાં હારી છે જેમાં ૨૦૧૪ની વર્લ્ડ કપની ફાઇનલમાં જર્મનીએ ૧-૦થી, ૨૦૧૫ની કોપા અમેરિકાની ફાઇનલમાં ચિલીએ પેનલ્ટીમાં હરાવ્યું હતું તો ફરી એક વાર ચિલીએ કોપા અમેરિકામાં ૨૦૧૬ની ફાઇનલમાં મેસીના આર્જેન્ટિનાને હરાવ્યું છે. મેસી આર્જેન્ટિના વતી સૌથી વધુ વખત ગોલ કરનાર ખેલાડી છે.

મેસીની નિવૃત્તિથી રમતઆલમ સ્તબ્ધ

કોપા અમેરિકા ટુર્નામેન્ટની ૧૦૦મી સીઝનની ફાઇનલમાં રવિવારે ચિલી સામે મળેલી હારને કારણે નિરાશ લિયોનેલ મેસીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પેનલ્ટી મિસ કરનારાઓમાં મેસી પણ સામેલ હતો. હાર બાદ તે પોતાનાં આંસુને નહોતો રોકી શક્યો.


મેસીની નિવૃત્તિને કારણે આવેલી કેટલીક પ્રતિક્રિયાઓ.

મેસી, તું એક ચૅમ્પિયન છે. આમ આટલી જલદી હાર ન માની શકે. અમે તને આટલો જલદી નિવૃત્તિ લેતો જોવા નથી માગતા. આશા રાખીએ કે આ મામલે તું ફરીથી વિચાર કરીશ.

બાઇચુન્ગ ભૂટિયા, ભારતીય ફુટબૉલ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન

અભિનંદન... તું એક પેઢી માટે પ્રેરક રહ્યો છે.

શિખર ધવન, ભારતીય ક્રિકેટર

ફુટબૉલપ્રેમીઓ માટે દુખદ દિવસ. અમે તને યાદ કરીશું મેસી.

સુરેશ રૈના, ભારતીય ક્રિકેટર