ફૂટબોલર લિયોનેલ મેસીને ૨૧ મહિનાની જેલ

07 July, 2016 03:12 AM IST  | 

ફૂટબોલર લિયોનેલ મેસીને ૨૧ મહિનાની જેલ





આર્જેન્ટિના અને બાર્સેલોના ક્લબના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી અને તેના પપ્પા જોર્ગેને ટૅક્સમાં છેતરપિંડીના મામલે ૨૧ મહિનાની જેલની સજા આપવામાં આવી છે. ઉપરાંત ૩૭ લાખ યુરો એટલે કે ૧૫ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે મીડિયા-રિપોર્ટ મુજબ તેણે એ ગુના માટે જેલમાં નહીં જવું પડે. કોર્ટે આ સજા ટૅક્સના ત્રણ મામલામાં આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે મેસી આર્જેન્ટિના માટે તો ક્લબ અને લીગ લેવલ પર સ્પેનના બાર્સેલોના માટે રમે છે.

આવક છુપાવી

કોર્ટે મેસીને ટૅક્સચોરીના મામલે દોષી ગણાવ્યો હતો અને સ્પેનની કોર્ટે તેને ૨૧ મહિનાની સજા ફટકારી છે, કારણ કે આ સજા બે વર્ષ કરતાં ઓછી છે. વળી મેસી અને તેના પપ્પા જોર્ગેનો ભૂતકાળમાં કોઈ ખરાબ રેકૉર્ડ નથી એથી તેમણે જેલ જવાની જરૂર નહીં પડે. પોતાના બચાવમાં મેસીએ કહ્યું હતું કે મને અને મારા પપ્પાને ટૅક્સના નિયમોની જાણકારી નહોતી. જોકે સ્પેનની બાર્સેલોના કોર્ટને મળેલી માહિતી મુજબ મેસીના પપ્પાએ ટૅક્સ બચાવવા માટે ૨૦૦૬-’૦૭થી મેસીને મળેલી આવકમાંથી બ્રિટન, સ્વિટ્ઝરલૅન્ડ અને યુરુગ્વેની કંપનીમાં રોકાણ કર્યું હતું અને એની પાછળનો હેતુ ટૅક્સની ચોરી કરવાનો હતો. મેસી અને તેના પપ્પા આ ચુકાદાને સ્પેનની સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

સ્પેનમાં બનાવી કરીઅર

આર્જેન્ટિનામાં જન્મેલા મેસીને બાળપણમાં ગ્રોથ હૉર્મોનની અછતની બીમારી હતી. તે ચાર વર્ષથી ફુટબૉલ પાછળ ગાંડો હતો. ૧૧ વર્ષની ઉંમરે તેને આ બીમારી વિશે માહિતી મળી હતી. ઇલાજ માટે રૂપિયા નહોતા. આર્જેન્ટિનાની ક્લબ તરફથી મદદ ન મળતાં સ્પેનની બાર્સેલોના ક્લબ સાથે જોડાયો હતો. એ ક્લબે મેસીના ઇલાજની જવાબદારી સંભાળી હતી. માત્ર ત્રણ વર્ષમાં જ તે ફિટ થઈ ગયો અને ફુટબૉલના મેદાનમાં પોતાનો જાદુ દેખાડવા માંડ્યો હતો.

તાજેતરમાં લીધી નિવૃત્તિ

ચિલી સામે કોપા અમેરિકામાં ૨૦૧૬માં મળેલી હાર બાદ આર્જેન્ટિનાના કૅપ્ટન લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફુટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આર્જેન્ટિના ચાર ફાઇનલ હારી જતાં તે દુખી હતો. પાંચ વખત વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફુટબૉલ ખેલાડીનો અવૉર્ડ જીતનાર મેસીને ઘણી વખત ઘરઆંગણે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો છે.