કોરોના સામે ૧૩૦ કરોડ લોકોની નવી એનર્જી બિલ્ડઅપ કરીને દેખાડીએ:શાસ્ત્રી

04 April, 2020 07:02 PM IST  |  Mumbai Desk

કોરોના સામે ૧૩૦ કરોડ લોકોની નવી એનર્જી બિલ્ડઅપ કરીને દેખાડીએ:શાસ્ત્રી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશની જનતાને ૯ મિનિટ માટે પ્રકાશ ફેલાવવાની કરેલી વિનંતીને સપોર્ટ કરતાં રવિ શાસ્ત્રી અને હરભજન સિંહ પણ આગળ આવ્યા છે. ગઈ કાલે દેશની જનતાને સંબોધતાં વડા પ્રધાને રવિવારે એટલે કે આવતી કાલે રાતે ૯ વાગ્યે નવ મિનિટ સુધી પોતાના ઘરની લાઇટો બંધ કરીને મોબાઇલ-ટૉર્ચ, મીણબત્તી કે દીવો કરીને પ્રકાશ ફેલાવવાની અરજી કરી હતી જેને કોરોના સામેના સપોર્ટ સિસ્ટમ તરીકે ગણવામાં આવશે. આ સંદર્ભે ટ્વીટ કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘પાંચ એપ્રિલે રાત્રે ૯ વાગે ૯ મિનિટ માટે આપણે સાથે મળીને કૅન્ડલ, દીવો, ટૉર્ચ કે મોબાઇલની ફ્લૅશલાઇટ પ્રગટાવીને ૧૩૦ કરોડ લોકોની શક્તિનો પરચો બતાવીએ. કોરોના વાઇરસ સામે લડીને એક નવી એનર્જી બિલ્ડઅપ કરીએ.’

શાસ્ત્રી ઉપરાંત હરભજન સિંહે પણ લોકોને અપીલ કરી હતી. હરભજને કહ્યું કે ‘દરેક વ્યક્તિએ ઘરમાં રહેવાનું છે. અમને અમારા લીડર નરેન્દ્ર મોદી પર ગર્વ છે. બધા ઘરે રહો, સુરક્ષિત રહો. રવિવારે પાંચમી એપ્રિલે રાતે ૯ વાગે ૯ મિનિટ સુધી પ્રકાશ ફેલાવીએ. ઘરે રહીને જ કૅન્ડલ, દીવો, ટૉર્ચ કે મોબાઇલની ફ્લૅશલાઇટ પ્રગટાવીએ. મહેરબાની કરીને કોઈએ રસ્તા પર આવવું નહીં.’

વર્લ્ડ કપની ટ્વીટમાં ટૅગ કરવાનું ભૂલ્યા બાદ યુવરાજ સિંહને લેજન્ડ કહ્યો રવિ શાસ્ત્રીએ

વર્લ્ડ કપની જીતની ખુશી વ્યક્ત કરતી ટ્વીટમાં યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીને ટૅગ કરવાનું ભૂલી ગયા બાદ રવિ શાસ્ત્રી ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૧૧ની બીજી એપ્રિલે ઇન્ડિયા બીજી વાર વર્લ્ડ કપ જીત્યું હતું. આ ખુશી વ્યક્ત તરતાં ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ એક વિડિયો શૅર કર્યો હતો જેની સાથે સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીને ટૅગ કરતાં રવિ શાસ્ત્રીએ ટ્વીટ કર્યું હતું કે ‘દરેકને ઘણી શુભેચ્છા. આ એક એવી વસ્તુ છે જેને તમે તમારી આખી લાઇફ યાદ રાખશો. ૧૯૮૩નું અમારું ગ્રુપ જે રીતે એને યાદ રાખે છે એ જ રીતે તમે પણ એને યાદ રાખજો.’

આ ટ્વીટ બાદ ૨૦૧૧ના વર્લ્ડ કપના મૅન ઑફ ધ ટુર્નામેન્ટ યુવરાજ સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘સિનિયર, તમારો આભાર. તમે મને અને માહીને પણ ટૅગ કરી શકો છો, અમે પણ એ ટુર્નામેન્ટનો પાર્ટ હતા.’

ભૂલ સમજાતાં યુવરાજને જવાબ આપતાં રવિ શાસ્ત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘વાત જ્યારે વર્લ્ડ કપની છે તો એમાં તું જુનિયર નથી. તું લેજન્ડ છે, યુવરાજ.’

sports news sports coronavirus covid19 ravi shastri cricket news