લેથમે ફટકાર્યા ૨૫૨ રન અને બોલ્ટે લીધી ૩૦૦મી વિકેટ

11 January, 2022 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ ૧૨૬ રનમાં ઑલઆઉટ થયા બાદ આજે હારવાની તૈયારીમાં

લેથમે ફટકાર્યા ૨૫૨ રન અને બોલ્ટે લીધી ૩૦૦મી વિકેટ

ક્રાઇસ્ટચર્ચમાં ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે બંગલાદેશ સામેનો પ્રથમ દાવ ૬ વિકેટે ૫૨૧ રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ બંગલાદેશની ટીમ ફક્ત ૧૨૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બંગલાદેશ ફૉલો-ઑન થતાં આજે ત્રીજા દિવસે જ આ ટીમ હારી શકે અને સિરીઝ ૧-૧થી બરાબરીમાં થઈ શકે, કારણ કે ગઈ કાલે એ યજમાનોથી ૩૯૫ રન પાછળ હતી.
ઓપનિંગ બૅટર ટૉમ લેથમ (૨૫૨ રન, ૩૭૩ બૉલ, ૫૫૨ મિનિટ, ૨ સિક્સર, ૩૪ ફોર) અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (૧૩.૨-૩-૪૩-૫) ગઈ કાલના બે હીરો હતા. લેથમે બીજી ડબલ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે નવમી વખત ટેસ્ટના દાવમાં પાંચ વિકેટ લીધી હતી. બોલ્ટ ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦૦મી વિકેટ લેનારો હેડલી, વેટોરી, સાઉધી પછીનો ચોથો કિવી બોલર તેમ જ વિશ્વનો પાંચમો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર પણ બન્યો છે.
ગઈ કાલે સવારે લેથમના સાથી-બૅટર ડેવોન કૉન્વે (૧૦૯ રન, ૧૬૬ બૉલ, ૨૨૭ મિનિટ, એક સિક્સર, બાર ફોર)એ ત્રીજી સદી નોંધાવી હતી. વિકેટકીપર ટૉમ બ્લૅન્ડલે ૮ ફોરની મદદથી બનેલા અણનમ ૫૭ રનનું યોગદાન આપ્યું હતું. એ પછી બંગલાદેશના દાવમાં યાસિર અલીના પંચાવન રન હાઇએસ્ટ હતા. અન્ય કિવી બોલરોમાં ટિમ સાઉધીએ ત્રણ તથા કાઇલ જૅમીસને બે વિકેટ લીધી હતી.

1
માત્ર આટલા બૅટરે ટેસ્ટમાં ઓપનર તરીકે લેથમથી વધુ વખત ૨૫૦-પ્લસ રન બનાવ્યા છે અને એ પ્લેયર છે સેહવાગ જેના ચાર વાર ૨૫૦-પ્લસ હતા. ગ્રેમ સ્મિથ, ગેઇલ, કુક, વૉર્નર પણ લેથમની સાથે છે.

1
કિવી પ્લેયર કૉન્વે પહેલી પાંચેપાંચ ટેસ્ટના પ્રથમ દાવમાં ૫૦-પ્લસ સ્કોર નોંધાવનારો આટલામો ખેલાડી છે. પહેલી પાંચ ટેસ્ટમાં તેના કુલ ૬૨૩ રન છે. માત્ર ગાવસકર (૮૩૧) અને જ્યૉર્જ હેડલી (૭૧૪) તેનાથી આગળ છે.

sports news cricket news