શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

14 September, 2021 07:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

લસિથ મલિંગાએ શ્રીલંકા માટે 30 ટેસ્ટ, 226 વનડે અને 84 T20I મેચ રમી હતી. જેમાં તેણે 546 વિકેટ લીધી હતી.

લસિથ મલિંગા. ફાઇલ ચિત્ર

યોર્કર કિંગ તરીકે જાણીતા શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ મંગળવારે તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મલિંગાએ અગાઉ ટેસ્ટ અને વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. મલિંગાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

લસિથ મલિંગાએ શ્રીલંકા માટે 30 ટેસ્ટ, 226 વનડે અને 84 T20I મેચ રમી હતી. જેમાં તેણે 546 વિકેટ લીધી હતી. મલિંગાએ છેલ્લે માર્ચ 2020માં પલ્લેકેલે ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે T20I મેચ રમી હતી. મલિંગાએ 2011માં ટેસ્ટ ક્રિકેટ અને 2019માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મલિંગાએ આ વર્ષે જાન્યુઆરીમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યાર બાદ તેને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો. મલિંગા T20I માં 100 વિકેટ લેનાર પ્રથમ બોલર છે.

મલિંગાએ ટ્વિટ કરીને કહ્યું કે “હું હવે મારા ટી 20 જૂતા લટકાવી રહ્યો છું. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. મારી અત્યાર સુધીની સફરમાં મને સપોર્ટ આપનાર દરેક વ્યક્તિનો આભાર. આવનારા વર્ષોમાં યુવા ક્રિકેટરો સાથે મારા અનુભવો શેર કરવા માટે હું આતુર છું. હું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ, મુંબઈ ઇન્ડિયન્સ, મેલબોર્ન સ્ટાર્સ, કેન્ટ ક્રિકેટ ક્લબ, રંગપુર રાઇડર્સ, ગુયાના વોરિયર્સ, મરાઠા વોરિયર્સ અને મોન્ટ્રીયલ ટાઇગર્સનો આભાર માનું છું.”

sports news cricket news lasith malinga international cricket council