26 April, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ક્રિકેટર્સ એસ. શ્રીસંત અને હરભજન સિંહ
IPL 2008નો ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ એસ. શ્રીસંત અને હરભજન સિંહનો થપ્પડકાંડનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. કેરલમના શ્રીસંતે એક ઇન્ટરવ્યુમાં ભજ્જી વિશે મોટો ખુલાસો કરીને સંબંધો ખતમ થઈ ગયાની પુષ્ટિ કરી છે. ૪૩ વર્ષનો શ્રીસંત કહે છે કે, ‘મેં પહેલાં ક્યારેય કોઈ ઇન્ટરવ્યુમાં ભજ્જી વિશે વાત કરી નથી. આ પહેલી વખત કરી રહ્યો છું. હમણાં સુધી અમારા વચ્ચે કોઈ સમસ્યા નહોતી. જોકે તે ફરી એક વાર થપ્પડકાંડની ઘટનાને કેન્દ્રમાં રાખીને એક જાહેરાતનો ભાગ બન્યો છે. એમાંથી તેણે ૮૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીની કમાણી કરી છે. તેણે મને ફોન કરીને એ ઍડ સોશ્યલ મીડિયા પર શૅર કરવાની વિનંતી પણ કરી હતી.’ શ્રીસંત આગળ કહે છે, ‘મેં તેને સંદેશ આપ્યો કે હું તેને માફ કરી શકું છું, પણ હું ક્યારેય ભૂલીશ નહીં. આ ઘટના ક્યારેય ભૂલવી ન જોઈએ. જો તમે ભૂલી જાઓ છો તો તેઓ ફરીથી એ જ કામ કરશે. એ આનું મુખ્ય ઉદાહરણ છે એમાં કોઈ શંકા નથી. મારો હવે તે વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. હું તેને ભાઈ કહેતો હતો, પરંતુ છેલ્લા એક-બે મહિનામાં તે આવી જાહેરાતમાં દેખાયો અને હવે મેં તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉક કરી દીધો છે.’ ભજ્જી વિશે શ્રીસંતે અંતે કહ્યું કે ‘મારાં માતા-પિતાએ મને માફ કરવાનું શીખવ્યું છે પણ ક્યારેય ભૂલવાનું નથી શીખવ્યું. મને તેની સામે કોઈ ફરિયાદ નથી કે મને તેની કોઈ જરૂર નથી. ભગવાન તેને અને તેના પરિવારને ખુશ રાખે. તે સારો બનવાનો દેખાડો કરે છે.’
થોડા સમય પહેલાં IPLના પહેલા ચૅરમૅન લલિત મોદીએ થપ્પડકાંડનો પહેલવહેલો વિડિયો શૅર કરીને ક્રિકેટજગતમાં ખલબલી મચાવી દીધી હતી.