આફ્રિદી ખરેખર કેટલા વર્ષનો?

02 March, 2021 10:52 AM IST  |  Lahore | Agency

આફ્રિદી ખરેખર કેટલા વર્ષનો?

શાહિદ આફ્રિદી

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ ગઈ કાલે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો જેને માટે લોકોએ તેને સોશ્યલ મીડિયા પર શુભેચ્છા આપી હતી. મુદ્દાની વાત એ છે કે આફ્રિદીનો આ કેટલામો જન્મદિવસ હતો એ વિશે ફરી એક વાર ગોટાળો થયો છે, કેમ કે તેણે શુભેચ્છકોનો આભાર માનતાં પોતે ૪૪ વર્ષનો થયો હોવાનું કહ્યું હતું, જેને લીધે સોશ્યલ મીડિયા-યુઝર્સ પણ કન્ફ્યુઝ થયા હતા.

ગઈ કાલે ટ્વીટ કરીને શુભેચ્છોકોનો આભાર માનતાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે ‘બર્થ-ડેની શુભેચ્છાઓ બદલ તમારા સૌનો આભાર. હું આજે ૪૪ વર્ષનો થયો છું. મારા માટે મારો પરિવાર અને મારા ચાહકો સૌથી મોટી ઍસેટ છે. મુલતાન સાથેનો મારો સંબંધ મેં ઘણી સારી રીતે માણ્યો છે અને આશા કરું કે મુલતાન સુલતાનના ચાહકો માટે વધારે મૅચ વિનિંગ પ્રદર્શન કરું.’

વિરોધાભાસી વાત એ છે કે આફ્રિદીની આત્મકથા ‘ગેમ ચેન્જર’ મુજબ તેનો જન્મ ૧૯૮૦માં નહીં, ૧૯૭૫માં થયો છે એટલે તેણે ગઈ કાલે ૪૬મો જન્મદિવસ ઊજવ્યો હોવો જોઈએ, પણ ટ્વીટ કર્યા મુજબ તેણે પોતાની ઉંમર ૪૪ વર્ષ કહી છે. આ ગોટાળામાં વધારો કરતાં કેટલીક વેબસાઇટના રેકૉર્ડ મુજબ આફ્રિદીની ઉંમર ૪૧ વર્ષ છે જેને લીધે સોશ્યલ મીડિયા-યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો, તો કેટલાકે સાચી ઉંમર જાણવા પ્રશ્નો કર્યા હતા. કેટલાકે તો ટ્રોલ કરીને એમ પણ પૂછી લીધું હતું કે શું ૨૫ વર્ષમાં તું ૨૮ વાર વધ્યો?

જો આફ્રિદીની આત્મકથાને આધાર રાખીને વાત કરીએ તો ૧૯૭૫માં જન્મેલા આ પ્લેયરે જ્યારે ૧૯૯૬માં શ્રીલંકા સામે ૩૭ બૉલમાં સેન્ચુરી ફટકારી રેકૉર્ડ બનાવ્યો હતો ત્યારે તેની ઉંમર ૧૬ નહીં, ૧૯ વર્ષથી વધુ હતી.

pakistan shahid afridi lahore cricket news sports news