હું સફળ થયો કારણ કે કોહલીએ મને અટૅક કરવાની આઝાદી આપી: કુલદીપ

17 May, 2019 12:20 PM IST  |  કલકત્તા

હું સફળ થયો કારણ કે કોહલીએ મને અટૅક કરવાની આઝાદી આપી: કુલદીપ

ભારતના સ્ટાર રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે તે વિશ્વ કક્ષાએ સફળ ન થયો હોત જો કૅપ્ટન વિરાટ કોહલીએ તેને અટૅક કરવાની આઝાદી ન આપી હોત. તેણે ૪૪ વન-ડેમાં ૨૧.૭૫ની ઍવરેજથી ૮૭ વિકેટ લીધી છે. ગયા વર્ષે તેણે ઈંગ્લૅન્ડ ટૂરમાં ૨૫ રનમાં ૬ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

તેણે મીડિયાને કહ્યું કે ‘એવા કૅપ્ટનની જરૂર હોય છે જે ખેલાડીને સર્પોટ કરે અને તેના કૌશલ્યમાં વિશ્વાસ રાખે. જો કોહલીભાઈએ અમને અટૅક કરવાની આઝાદી ન આપી હોત તો અમે સફળ ન થયા હોત.’ કુલદીપને આઇપીએલની આ સીઝનમાં ઈડન ગાર્ડન્સની બૅટિંગ પિચને કારણે ખાસ કોઈ સફળતા મળી નહોતી. તેણે ૯ મૅચમાં ૪ વિકેટ લેતાં ફ્રૅન્ચાઇઝીએ તેને ડ્રૉપ કર્યો હતો.

આઇપીએલની અસફળતા ભૂલીને હવે તે ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ૨૪ વર્ષના આ સ્પિનરે કહ્યું કે ‘આઇપીએલ વર્લ્ડ કપ કરતાં ઘણી અલગ ટુર્નામેન્ટ છે. ઘણા એવા ખેલાડીઓ છે જેણે આઇપીએલમાં સારું પર્ફોર્મ કર્યું છે પણ દેશની ટીમ વતી સારું પર્ફોર્મ કર્યું નથી. હું બોલર તરીકે મૅચ્યોર થયો છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી વર્લ્ડ કપમાં હું સારું પર્ફોર્મ કરીશ. ટી૨૦ એવું ફૉર્મેટ છે જેમાં એક ખરાબ દિવસે ઘણા રન ખર્ચાઈ જાય. હું કંઈ જાદુગર નથી કે દરેક મૅચમાં ઘણી વિકેટો લઉં. જો મને વિકેટ ન મળે તો એનો અર્થ એવો નથી કે હું ખરાબ બોલિંગ કરું છું.’

તેણે મહેન્દ્ર સિંહ ધોની વિશે કહ્યું કે ‘એમાં કોઈ શંકા નથી કે ધોનીની સલાહ ફક્ત મારી માટે નહીં, સમગ્ર ટીમ માટે કીમતી છે. વિકેટ પાછળ તેની હાજરી અમારું કામ સરળ બનાવે છે અને આ તથ્ય કોઈ બદલી શકે નહીં. તેની સલાહ વગર ટીમ અધૂરી છે.’

ઍન્દ્રે રસેલે એકલે હાથે પોતાની આતશબાજીભરી બૅટિંગથી કલક્તાને પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચાડવાની કોશિશ કરી હતી જેમાં તે અસફળ રહ્યો હતો. કુલદીપે આઇપીએલ દરમ્યાન કહ્યું હતું કે તેણે રસેલને નિયંત્રણમાં રાખવાની યુક્તિ શોધી કાઢી છે. કુલદીપે કહ્યું કે ‘રસેલને ટર્નિંગ બૉલ રમવામાં સમસ્યા થાય છે. જો બૉલ ટર્ન થાય તો તે કન્ફ્યુઝ થાય છે. આ ઓછું હોય એમ મારી પાસે તેને વર્લ્ડ કપમાં નિયંત્રણમાં રાખવાના અલગ-અલગ પ્લાન્સ છે. મને ખબર છે કે તેને હિટિંગ કરતાં કેવી રીતે રોકવો, હું મારા પ્લાનમાં ચોક્કસ છું.’

sports news cricket news Kuldeep Yadav virat kohli ms dhoni mahendra singh dhoni