ઑસ્ટ્રેલિયામાં વિદેશી બૉલની બોલબાલા

25 October, 2012 05:38 AM IST  | 

ઑસ્ટ્રેલિયામાં વિદેશી બૉલની બોલબાલા



ઑસ્ટ્રેલિયા છેલ્લા ૮ વર્ષથી ભારતમાં અને ૪ વર્ષથી ઇંગ્લૅન્ડમાં ટેસ્ટસિરીઝ નથી જીતી શક્યું એટલે એના ક્રિકેટ બોર્ડે પોતાના ક્રિકેટરોને આ બન્ને દેશના પ્રવાસે મોકલતાં પહેલાં અનોખી સ્ટ્રૅટેજી વિચારી છે.

ઑસ્ટ્રેલિયાના કૂકાબુરા બ્રૅન્ડના બૉલ મોટા ભાગના દેશોમાં વપરાય છે. ૮૫ ટકા ટેસ્ટમૅચોમાં કૂકાબુરાનો ઉપયોગ થાય છે. ખુદ ઑસ્ટ્રેલિયા બધી સિરીઝો અને ટુર્નામેન્ટોમાં આ બૉલનો ઉપયોગ કરે છે, પરંતુ એના પ્લેયરોએ ભારતના પ્રવાસમાં ભારતમાં બનતાં એસજી (સૅન્સપારેઇલ્સ ગ્રીનલૅન્ડ્સ) બૉલથી અને ઇંગ્લૅન્ડની ટૂરમાં ત્યાં બનતાં ડ્યુક્સ બૉલથી રમવું પડે છે.

જોકે હવે ઑસ્ટ્રેલિયન બોર્ડે એવું વિચાર્યું છે કે આગામી ફેબ્રુઆરીમાં માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપની ભારતના પ્રવાસે જાય એ પહેલાં ટીમના બધા ખેલાડીઓને ઑસ્ટ્રેલિયાની પિચો પર એસજી બૉલથી પરિચિત કરી દેવા. આ હેતુથી બોર્ડ ભારતથી થોડા એસજી બૉલ મગાવશે. આ બૉલ સૌથી પહેલાં જુનિયર પ્લેયરોને ડોમેસ્ટિક મૅચોમાં રમવા માટે આપવામાં આવશે અને ત્યાર પછી સિનિયર ખેલાડીઓને એનાથી રમવાનું કહેવામાં આવશે કે જેથી ઑસ્ટ્રેલિયન ટીમનો દરેક પ્લેયર એ બૉલથી ટેવાઈ શકે. ભારતની ટૂર શરૂ થતાં પહેલાં પ્રૅક્ટિસમાં પણ પ્લેયરોને એસજી બૉલ આપવામાં આવશે.

એ જ પ્રમાણે આવતા વર્ષે જુલાઈમાં ઑસ્ટ્રેલિયાના પ્લેયરો ઍશિઝ સિરીઝ માટે ઇંગ્લૅન્ડ જશે એ અગાઉ તેમને ડ્યુક્સ બૉલથી રમવાનું કહેવામાં આવશે.

એસજી બૉલની કંપની ૮૦ વર્ષ જૂની

કેદારનાથ અને દ્વારકાનાથ નામના બે ભાઈઓએ ૧૯૩૧માં લાહોરમાં સૅન્સપારેઇલ્સ ઍન્ડ કંપનીની રચના કરી હતી. આ કંપની ક્રિકેટ બૉલ અને ક્રિકેટ બૅટ સહિત અનેક પ્રકારના સ્પોર્ટ્સ ગુડ્સ બનાવે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બન્ને ભાઈઓએ સ્પોર્ટ્સ ગુડ્સની નિકાસ આસાનીથી કરી શકાય એ હેતુથી ગ્રીનલૅન્ડ્સ નામની કંપની સ્થાપી હતી.

ભારતને સ્વતંત્રતા મળી ત્યાર બાદ કેદારનાથ અને દ્વારકાનાથ મેરઠમાં સ્થાયી થયા હતા અને તેમણે સૅન્સપારેઇલ્સ તથા ગ્રીનલૅન્ડ્સ કંપનીઓનું મર્જર કરીને સૅન્સપારેઇલ્સ ગ્રીનલૅન્ડ્સ નામની કંપની અસ્તિત્વમાં લાવી હતી અને ત્યારથી એની પ્રૉડક્ટ એના ટૂંકા નામ એસજીથી ઓળખાય છે.

કૂકાબુરા V/S એસજી V/S ડ્યુક્સ

કૂકાબુરા બૉલ પરની દોરાની સિલાઈ નૉર્મલ પ્રમાણ કરતાં ઘણી ઓછી જાડી હોય છે અને આ બૉલ ૨૦ જેટલી ઓવર સુધી ટકે છે. એની તુલનામાં એસજી અને ડ્યુક્સ બૉલ ૫૦થી ૫૫ ઓવર સુધી ટકે છે. એસજી બૉલ જૂનો થાય એમ સ્પિનરને અને ડ્યુક્સ બૉલ જૂનો થાય એમ સ્વિંગ બોલરને વધુ ફાયદો કરાવે છે. જોકે ત્રણેય બૉલમાં કૂકાબુરા અને એસજી બૉલ વધુ બાઉન્સ થાય છે.

કૂકાબુરા કરતાં બન્ને બૉલ સસ્તા

ઑસ્ટ્રેલિયામાં બનતાં કૂકાબુરા બૉલ કરતાં એસજી અને ડ્યુક્સ બૉલ સસ્તા હોવાથી ઑસ્ટ્રેલિયન બોર્ડે બૉલ પાછળના ખર્ચમાં ફાયદો થશે એવું પણ વિચારી રાખ્યું છે. ભારતીય ચલણ મુજબ કૂકાબુરા બૉલ અંદાજે ૨૦૦૦ રૂપિયામાં અને એસજી તથા ડ્યુક્સ બૉલ ૧૦૦૦ રૂપિયામાં મળે છે

કયો બૉલ વધુ કોને ફાવે?

કૂકાબુરા : ફાસ્ટ બોલરોને

એસજી : સ્પિનરોને

ડ્યુક્સ : સ્વિંગ બોલરોને