કલકત્તાના સ્ટાર કોચ અને પ્લેયર્સ પર રહેશે પૈસા-વસૂલ પર્ફોર્મન્સ આપવાનું પ્રેશર

27 March, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ વખતની આ ચૅમ્પિયન ટીમ ઑક્શન બાદ મજબૂત દેખાઈ, પણ પ્લેયર્સની ઇન્જરીઓએ સમીકરણ બગાડ્યું

કલકત્તાના કૅપ્ટન અજિંક્ય રહાણે, હેડ કોચ અભિષેક નાયર સાથે વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ.

કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમ પાસે વર્તમાન સીઝનમાં માત્ર સ્ટાર પ્લેયર્સ જ નહીં, પરંતુ સ્ટાર કોચિંગ સ્ટાફ પણ છે. હેડ કોચ અભિષેક નાયર, સહાયક કોચ શેન વૉટ્સન, બોલિંગ કોચ ટિમ સાઉધી, પાવર હિટિંગ કોચ આન્દ્રે રસેલ, મેન્ટર ડ્વેઇન બ્રાવો અને ફીલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક આ સ્ટાર કોચિંગ ગ્રુપમાં સામેલ છે. આ ટીમે વર્તમાન સીઝનના ઑક્શનમાં ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન પર ૨૫.૨૦  કરોડ અને મથિશા પથિરાના પર ૧૮ કરોડ રૂપિયાની મોટી બોલી પણ લગાવી છે. ટીમના માલિકી ગ્રુપમાં શાહરુખ ખાન અને જુહી ચાવલા જેવા બૉલીવુડનાં મોટાં નામં સામેલ છે.

કલકત્તાની બૅટિંગ લાઇનઅપમાં કૅપ્ટન અજિંક્ય રહાણે, વાઇસ-કૅપ્ટન રિન્કુ સિંહ, ફિન એલન, ટિમ સાઇફર્ટ, રચિન રવીન્દ્ર, રોવમૅન પોવેલ, મનીષ પાંડે, રમણદીપ સિંહ અને અંગક્રિશ રઘુવંશી જેવા સ્ટાર પ્લેયર્સ સામેલ છે. ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન અને સુનીલ નારાયણે બૅટ સહિત બોલિંગથી પણ મોટું યોગદાન આપવું પડશે.

ટીમના બોલિંગ-યુનિટમાં અલગ-અલગ કારણસર મુસ્તફિઝુર રહમાન, હર્ષિત રાણા અને આકાશ દીપની ગેરહાજરીને કારણે મોટું નુકસાન થયું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી હજી ફાસ્ટ બોલર મથિશા પથિરાનાને ફિટ ડિક્લેર કરવામાં આવ્યો નથી. ટીમમાં પાસે વરુણ ચક્રવર્તી, ઉમરાન મલિક, નવદીપ સૈની, મુઝરબાની બ્લેસિંગ, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી તરીકેના બોલિંગ વિકલ્પો સામેલ છે.

210- આટલી વિકેટ સાથે સુનીલ નારાયણ કલકત્તાનો હાઇએસ્ટ વિકેટટેકર છે.

3345 - આટલા રન સાથે ગૌતમ ગંભીર હજી પણ કલકત્તા માટે હાઇએસ્ટ રન-સ્કોરર છે.

કલકત્તા ટીમનો મોટો રેકૉર્ડ

મૅચ -  ૨૭૧
જીત - ૧૩૬
હાર - ૧૨૭
નૉ-રિઝલ્ટ - ૮
જીતની ટકાવારી - ૫૧.૭૧

છેલ્લી ૧૮ સીઝનમાં કલકત્તાનું પ્રદર્શન કેવું રહ્યું છે?

૨૦૧૨ , ૨૦૧૪  અને ૨૦૨૪ની સીઝનમાં આ ટીમ ચૅમ્પિયન બની હતી. ૨૦૨૧ની સીઝનમાં આ ટીમ ફાઇનલ મૅચમાં ચેન્નઈ સામે હાર્યું હતું. ૨૦૧૧ અને ૨૦૧૬થી ૨૦૧૮ની સતત ત્રણ સીઝનમાં આ ટીમ પ્લેઑફ સુધી પહોંચી હતી. છેલ્લી સીઝન સહિત ૧૦  સીઝનમાં આ ટીમે લીગ સ્ટેજ મૅચો રમીને વિદાય લીધી હતી.

sports news sports kolkata knight riders indian cricket team cricket news indian premier league IPL 2026