સતત પાંચ મૅચ હારવાનો કોહલીએ બનાવ્યો રેકૉર્ડ

01 December, 2020 03:27 PM IST  |  New Delhi | Agencies

સતત પાંચ મૅચ હારવાનો કોહલીએ બનાવ્યો રેકૉર્ડ

ફાઇલ તસવીર

ઑસ્ટ્રેલિયા સામે બે વન-ડેમાં મળેલી હાર બાદ ભારતીય ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી ઘણો પ્રેશરમાં આવી ગયો હોય એવું લાગે છે. એવામાં ત્રીજી વન-ડે ઉપરાંત બન્ને દેશ વચ્ચે ટી૨૦ અને ટેસ્ટ સિરીઝ રમાવાની બાકી છે. મૂળ વાત એ છે કે અનેક રેકૉર્ડ કરનાર વિરાટ કોહલીએ સતત પાંચ વન-ડે મૅચ ગુમાવીને પણ એક રેકૉર્ડ બનાવ્યો છે.
આંકડા પ્રમાણે જોવા જઈએ તો ભારતને છેલ્લી પાંચ મૅચમાં સતત હાર મળી રહી છે. ૨૦૧૩થી વિરાટ કોહલી ઇન્ડિયન વન-ડે ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહ્યો છે અને તેના નેતૃત્વમાં ટીમે અનેક વાર વિજેતા બની
ઇતિહાસ રચ્યો છે, પણ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે બે વન-ડેમાં મળેલા પરાજયને લીધે ભારત સતત પાંચમી વન-ડે હાર્યું હતું. ભારતની આ પરાજયની શરૂઆત ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડ ટૂરથી થઈ હતી, જેમાં તે સતત ત્રણ મૅચ હારી ગયું હતું. ત્યાર બાદ હાલમાં ઑસ્ટ્રેલિયા સામે પણ એ સતત બે મૅચ હારી ગયું છે.
સતત પરાજયનો રેકૉર્ડ
છેલ્લાં ૪૬ વર્ષમાં ભારતીય ટીમે સૌથી વધારે સતત ૮ મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ
પરાજય ૧૯૮૧માં સુનીલ ગાવસકરના નેતૃત્વમાં થયો હતો. જોગાનુજોગ છે કે પરાજયનો આ સિલસિલો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી જ શરૂ થયો હતો. ૧૯૮૯માં ભારતે ૭ મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિયન ક્રિકેટ ટીમની કમાન
શ્રીકાન્ત અને પછી વેન્ગસરકરના હાથમાં હતી. આવું પાંચમી વાર થઈ રહ્યું છે જ્યારે ભારતીય ટીમને સતત પાંચ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
સતત પાંચ મૅચમાં પરાજયનો રેકૉર્ડ
સતત પાંચ મૅચ હારનાર ભારતીય કૅપ્ટનોની યાદીમાં બિશન સિંહ બેદી અને વેન્કટરાઘવન પણ સામેલ છે. ૧૯૭૮માં આ બન્નેની કપ્તાનીમાં ભારતે સતત પાંચ મૅચ ગુમાવી હતી. ત્યાર બાદ ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં પણ ભારતે સતત પાંચ મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૮૮માં રવિ શાસ્ત્રી અને ૨૦૦૨ તેમ જ ૨૦૦૫માં ભારત અનુક્રમે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડના નેતૃત્વમાં સતત પાંચ મૅચ હાર્યું હતું.

cricket news sports news virat kohli