ઘણા પ્લેયર્સ વર્લ્ડ કપની સેમી ફાઇનલની હારને ભુલાવી નથી શક્યા: રાહુલ

26 April, 2020 12:04 PM IST  |  New Delhi | Agencies

ઘણા પ્લેયર્સ વર્લ્ડ કપની સેમી ફાઇનલની હારને ભુલાવી નથી શક્યા: રાહુલ

કેએલ રાહુલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર લોકેશ રાહુલ હાલમાં પોતાના પરિવાર સાથે બૅન્ગલોરમાં સમય વિતાવી રહ્યો છે. જોકે તેનું કહેવું છે કે ભારતીય ટીમના ઘણા એવા પ્લેયર્સ છે જેઓ આજે પણ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાંની હારને ભૂલી શક્યા નથી. લોકેશ રાહુલને પૂછવામાં આવ્યું કે ક્રિકેટમાં એવી કોઈ ઘટના છે જે તું બદલવા માગીશ? એનો જવાબ આપતાં રાહુલે કહ્યું કે ‘હું વર્લ્ડ કપ સેમી ફાઇનલ મૅચની જે ઘટના હતી એ બદલવા માગીશ. ખરું કહું તો ટીમના ઘણા એવા પ્લેયર છે જે આજે પણ એ હારને ભુલાવી નથી શક્યા. હું વિચારી પણ નથી શકતો કે સિનિયર પ્લેયરો કેવો અનુભવ કરતા હશે, કેમ કે વર્લ્ડ કપ દર વખતે અઘરો બનતો જાય છે. અમે આખી ટુર્નામેન્ટમાં સારું રમ્યા હતા અને છેલ્લી ઘડીએ આવીને અમે કાંઠે ડૂબી ગયા હતા. ઘણી વાર તો એ ખરાબ સપનાની જેમ ઊંઘમાંથી ઊઠી જવાય છે.’

હાલના સમયમાં પરિવાર સાથે સમય વિતાવતાં રાહુલે કહ્યું કે ‘હું મારા પરિવાર સાથે બૅન્ગલોરમાં સુરક્ષિત છું. હું જે પણ ટ્રેઇનિંગ કે અન્ય કામકાજ કરું છું એનાથી જ મારી જાતને બિઝી રાખવાનો પ્રયત્ન કરું છું. મારે અહીં કોઈ તકલીફ નથી અને હું આરામથી જલસા કરું છું. પણ હા, મને યાદ છે કે જ્યારે અમે સતત રમતા હતા ત્યારે કેટલાક બ્રેક ઇચ્છતા હતા અને આજે જ્યારે વધારે પડતો બ્રેક મળી ગયો છે ત્યારે રમવા જવાની ઘણી ઇચ્છા થાય છે. મારા માટે આ બ્રેક ઘણો મહત્ત્વનો હતો, કારણ કે ઘણા લાંબા સમય પછી મેં મારો બર્થ-ડે મારા પરિવાર સાથે ઊજવ્યો હતો.’

cricket news sports news kl rahul ipl 2020 indian premier league