09 May, 2025 07:18 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન ચેન્નઈનો રવીન્દ્ર જાડેજા અને કલકત્તાનો વરુણ ચક્રવર્તી.
IPL 2025ની ૫૭મી મૅચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં ચેન્નઈને આ ટીમ સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કલકત્તાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં કદાચ ફૅન્સ ચેન્નઈની પીળી જર્સીમાં વધારે જોવા મળશે. પાંચ વખતની ચૅમ્પિયન ચેન્નઈ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સીઝનની શક્યતાઓને કારણે તેની હાજરીથી જ નાઇટ રાઇડર્સનું હોમ ગ્રાઉન્ડ પીળા રંગે રંગાઈ શકે છે.
કલકત્તા સાથે ધોનીના ગાઢ સંબંધો છે. તેણે પોતાનો મોટા ભાગનો સમય આ શહેરમાં જુનિયર ક્રિકેટમાં વિતાવ્યો છે. ઈડન ગાર્ડન્સ ધોનીની ઘણી સિદ્ધિઓનું સાક્ષી રહ્યું છે જેમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની પહેલી સેન્ચુરી અને ટેસ્ટ-ક્રિકેટમાં બે સદીનો સમાવેશ થાય છે. તે અહીં ક્લબ ક્રિકેટ પણ રમ્યો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાને પ્લેઑફમાં પહોંચવા બાકીની ત્રણેય મૅચ જીતવી જરૂરી છે. જોકે હોમ ગ્રાઉન્ડ પર કલકત્તા ચેન્નઈ સામે ૧૦માંથી માત્ર ચાર મૅચ જીત્યું છે અને છ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૧ |
|
CSKની જીત |
૧૯ |
|
KKRની જીત |
૧૧ |
|
નો-રિઝલ્ટ |
૧ |