એક યુનિટ તરીકે અમે ખરેખર સારું ન રમી શક્યા, અમે આવતા વર્ષે વધુ મજબૂત બનીને પાછા આવીશું

27 May, 2025 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL ટાઇટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેનાર કલકત્તાનો કૅપ્ટન અજિંક્ય રહાણે કહે છે...

થોડા દિવસ પહેલાં કલકત્તાએ શૅર કર્યો હતો અજિંક્ય રહાણેનો આ શાનદાર ફોટો.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વર્તમાન IPL સીઝનમાં માત્ર ૧૨ પૉઇન્ટ સાથે આઠમા ક્રમે રહી છે. મુંબઈની ડોમેસ્ટિક ટીમ માટે રમતા ૩૬ વર્ષના અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ટીમ આ વર્ષે ૧૪માંથી માત્ર પાંચ મૅચ જીતી શકી હતી. સાત મૅચ હારનારી આ ટીમની બે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો મેન્ટર હોવા છતાં ટીમનું બૅટિંગ અને બોલિંગ યુનિટ ચૅમ્પિયન જેવું પ્રદર્શન કરી શક્યું નહોતું.

IPL ઇતિહાસની પોતાની સૌથી મોટી ૧૧૦ રનની હારનો સામનો કરીને સીઝનનો અંત કરનાર કલકત્તાનો કૅપ્ટન અજિંક્ય રહાણે કહે છે, ‘આ સીઝન અમારા માટે ઉતાર-ચડાવથી ભરેલી રહી છે. એક યુનિટ તરીકે અમે ખરેખર સારું રમી શક્યા નહીં. આ ફૉર્મેટમાં તમે જો નજીકની મૅચો જીતો છો તો એ ફરક પાડે છે. એક કૅપ્ટન તરીકે મેં જે જોયું અને અનુભવ્યું તે એ હતું કે તૈયારીના સંદર્ભમાં દરેકે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ટાઇટલ ડિફેન્ડ કરવું સરળ નથી. હું ફક્ત એટલું જ કહી શકું છું કે અમે આવતા વર્ષે વધુ મજબૂત બનીને પાછા આવીશું.’

કલકત્તાનો ટૉપ-સ્કોરર અજિક્ય રહાણે ૧૩ મૅચમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૯૦ રન ફટકારીને વર્તમાન સીઝનમાં કલકત્તાનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો છે.  

indian premier league IPL 2025 kolkata knight riders ajinkya rahane cricket news sports news sports