રસેલને વહેલો ટીમમાં લેવામાં આવ્યો હોત તો KKR ટાઇટલ જીતી શકી હોત: ગંભીર

19 April, 2020 10:55 AM IST  |  New Delhi | Agencies

રસેલને વહેલો ટીમમાં લેવામાં આવ્યો હોત તો KKR ટાઇટલ જીતી શકી હોત: ગંભીર

આન્દ્રે રસેલ

આઇપીએલની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ કૅપ્ટન ગૌતમ ગંભીરનું કહેવું છે કે જો ટીમમાં વેસ્ટ ઇન્ડિઝના ઑલરાઉન્ડર આન્દ્રે રસેલને વહેલો ટીમમાં લેવામાં આવ્યો હોત તો કેકેઆર વધારે ટાઇટલ જીતી શકી હોત. આ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું કે ‘રસેલ કેકેઆરમાં ૫૦ લાખ રૂપિયામાં આવે છે ત્યારે પવન નેગીને દિલ્હી ડેરડેવિલ્સ આઠ કરોડ રૂપિયામાં ખરીદે છે. મારી ઘણી ઇચ્છા હતી કે જ્યારે સાત વર્ષ હું કેકેઆર માટે રમતો હતો ત્યારે રસેલ મારી ટીમમાં હોય. જો એમ થયું હોત તો અમે એક-બે ટાઇટલ વધારે જીતી શક્યા હોત.’

૨૦૧૨માં કેકેઆરએ ચેન્નઈ સુપરકિંગ્સને ફાઇનલમાં હરાવીને પહેલી વાર ટાઇટલ જીત્યું હતું અને ૨૦૧૪માં તેમણે કિંગ્સ ઇલેવન પંજાબને ફાઇનલમાં માત આપી હતી. રસેલે ૨૦૧૨માં દિલ્હી ડેરડેવિલ્સ માટે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. રસેલે અત્યાર સુધી ૬૪ આઇપીએલ મૅચ રમી છે જેમાં તેણે ૧૪૦૦ રન બનાવ્યા છે અને પંચાવન વિકેટ લીધી છે.

જુઠાણાં અને દેશદ્રોહ પ્રત્યે મને નફરત છે : ગૌતમ ગંભીર

ભારતીય ક્રિકેટર અને સંસદસભ્ય ગૌતમ ગંભીર અને પાકિસ્તાનના ક્રિકેટ પ્લેયર શાહિદ આફ્રિદી વચ્ચે અનેક વાર મેદાનમાં અને મેદાનની બહાર વાક્યુદ્ધ છેડાયું છે. આ વખતે ફરી એક વાર આફ્રિદીની ટિપ્પણીનો ગંભીરે વળતો જવાબ આપ્યો છે. ૨૦૧૯માં જ્યારે આફ્રિદીની આત્મકથા લૉન્ચ થઈ ત્યારે એમાં તેણે ગંભીર વિશે કેટલીક વાત કહી હતી જેને લીધે આ વાક્યુદ્ધ છેડાયું હતું. આફ્રિદીએ ગંભીરને ક્રિકેટની મહાન યોજનામાં એક નાનકડું પાત્ર ગણાવ્યું હતું જે ડૉન બ્રૅડમૅન અને જેમ્સ બૉન્ડની જેમ વર્તન કરે છે. તેના રેકૉર્ડ પણ કઈ ખાસ નથી. જોકે ગંભીરે એની આ ટિપ્પણીનો વળતો જવાબ આપીને કહ્યું હતું કે ‘જે વ્યક્તિને પોતાની ઉંમર યાદ નથી રહેતી એને મારા રેકૉર્ડ કેવી રીતે યાદ રહે? શાહિદ આફ્રિદી હું તને યાદ કરાવી લઉં ૨૦૦૭ની ટી૨૦ વર્લ્ડ કપ ફાઇનલ મૅચ, જેમાં મેં ૫૪ બૉલમાં ૭૫ રન કર્યા હતા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે મૅચ ભારત જીત્યું હતું. હા, મારામાં એટીટ્યુડ છે, કારણ કે મને જુઠાણાં અને દેશદ્રોહ પ્રત્યે નફરત છે.’

andre russell gautam gambhir cricket news sports news west indies kolkata knight riders