પોલાર્ડના હાથે પતન જૉન્સનના હાથે જશન

06 May, 2013 05:48 AM IST  | 

પોલાર્ડના હાથે પતન જૉન્સનના હાથે જશન



મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લી લાગલગાટ સાત મૅચ જીતનાર બે વખતની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની વિજયકૂચ ગઈ કાલે અટકાવી દીધી હતી અને આ વખતની ટુર્નામેન્ટમાં વાનખેડે સ્ટેડિયમમાં પાંચમી મૅચ પણ જીતીને અતૂટ રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આ વખતે પહેલી વાર હરીફના મેદાન પર પરાજય જોવો પડ્યો છે.

જો રોહિત ઍન્ડ કંપની આ મૅચ હારી ગઈ હોત તો કીરૉન પોલાર્ડ વિલન કહેવાયો હોત, કારણ કે તેણે મિચલ જૉન્સનની પહેલી ઓવરના સતત ત્રણ બૉલમાં ત્રણ કૅચ છોડ્યા હતા. જોકે જૉન્સને એ કમનસીબ ઓવર પછીની પોતાની બીજી ઓવરના પાંચ બૉલમાં ત્રણ વિકેટ લઈને ધોનીના ધુરંધરોની હાર નિશ્ચિત કરી દીધી હતી. એની ૬૦ રનથી હાર થઈ હતી અને ત્ભ્ન્ના ઇતિહાસમાં આ ટીમના પરાજયનો આ સૌથી મોટો માર્જિન છે.

મુંબઈ ઇન્ડિયન્સે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૧૩૯ રન બનાવ્યા હતા, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ૧૫.૨ ઓવરમાં ૭૯ રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

કૅચ છોડવાનો અનોખો વિક્રમ


આ વખતની ટુર્નામેન્ટમાં અનેક અદ્ભુત કૅચ પકડી ચૂકેલો પોલાર્ડ હાથની આંગળીમાં ઈજા હોવા છતાં રમ્યો હતો. તેણે જૉન્સનની પ્રથમ ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં માઇક હસીના કૅચ છોડ્યા હતા. કોઈ ફીલ્ડરે સતત ત્રણ બૉલમાં કોઈ એક બૅટ્સમૅનના કૅચ છોડ્યા હોય એવો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આ પહેલો જ બનાવ હતો.

જાડેજાનો કૅચ પણ છોડ્યો

ઇનિંગ્સની શરૂઆતમાં સુરેશ રૈનાનો કૅચ પકડી ચૂકેલા પોલાર્ડે ત્રણ કૅચ છોડ્યા પછી મહેન્દ્ર સિંહ ધોનીનો કૅચ પકડ્યો હતો, પરંતુ ત્યાર પછી રવીન્દ્ર જાડેજાનો કૅચ ડ્રૉપ કર્યો હતો. જોકે એ કૅચ અઘરો હતો. ત્યાર બાદ જાડેજા બીજા ફક્ત ૭ રન બનાવી શક્યો હતો અને તેની છેલ્લી વિકેટ પડતાં ચેન્નઈ સુપર કિંગ્સનો ૬૦ રનથી નામોશીભર્યો પરાજય થયો હતો.

મૅચવિનર જૉન્સનને હૅટ-ટ્રિક નહીં


મિચલ જૉન્સને પોતાની બીજી ઓવરના પ્રથમ બૉલમાં મુરલી વિજય (૨)ની અને બીજા બૉલમાં સુરેશ રૈના (૦)ની વિકેટ લેતાં તેને હૅટ-ટ્રિકનો ચાન્સ મળ્યો હતો. સુબ્રમણ્યમ બદરીનાથે તેને સફળ નહોતો થવા દીધો, પરંતુ એ જ ઓવરના પાંચમા બૉલમાં આઉટ થઈ ગયો હતો.

ચેન્નઈના માત્ર ૭૯ : બે રેકૉર્ડ તૂટ્યા

ચેન્નઈ સુપર કિંગ્સના ગઈ કાલના ૭૯ રન આ વખતની ટુર્નામેન્ટનું લોએસ્ટ ટોટલ છે. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી ડેરડેવિલ્સ ૮૦ રને ઑલઆઉટ થયું હતું અને એ ખરાબ રેકૉર્ડ ચેન્નઈએ ગણતરીના કલાકોમાં તોડ્યો હતો. ગઈ કાલ પહેલાં ૧૦૯ રન ચેન્નઈ સુપર કિંગ્સનું સૌથી નીચું ટોટલ હતું જે ૨૦૦૮માં રાજસ્થાન રૉયલ્સ સામે હતું, પરંતુ એ ટોટલ હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.

ચેન્નઈનું ટોટલ ચોથા નંબરે


ચેન્નઈ સુપર કિંગ્સના ૭૯ રન ત્ભ્ન્ના છ વર્ષના ઇતિહાસનું ચોથા નંબરનું લોએસ્ટ ટોટલ છે.

IPL ટોચના પાંચ સૌથી નીચા ટોટલ :

(૧) ૫૮ રન (રાજસ્થાન રૉયલ્સ, ૨૦૦૯માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે) (૨) ૬૭ રન (કલકત્તા નાઇટ રાઇડર્સ, ૨૦૦૮માં મુંબઈ ઇન્ડિયન્સ સામે) (૩) ૭૪ રન (કોચી ટસ્કર્સ કેરાલા, ૨૦૧૧માં ડેક્કન ચાર્જર્સ સામે) (૪) ૭૯ રન (ચેન્નઈ સુપર કિંગ્સ, ૨૦૧૩માં મુંબઈ ઇન્ડિયન્સ સામે) અને (૫) ૮૦ રન (દિલ્હી ડેરડેવિલ્સ, ૨૦૧૩માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે)

ભજીએ પ્રેક્ષકોને ખુશ કર્યા

મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. સચિન તેન્ડુલકર (૧૫ રન, ૧૮ બૉલ, એક સિક્સર, એક ફોર) અને ડ્વેઇન સ્મિથ (બાવીસ રન, ૨૪ બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે ૪૦ રનની ભાગીદારી થઈ હતી. રવીન્દ્ર જાડેજાના બૉલમાં સચિને લેગ બિફોરમાં વિકેટ ગુમાવી ત્યાર પછી ડ્વેઇન બ્રાવોએ ડ્વેઇન સ્મિથને પોતાના બૉલમાં કૅચઆઉટ કર્યો હતો. એ વિકેટ સાથે મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ધબડકો થયો હતો. જોકે રોહિત શર્મા (૩૯ નૉટઆઉટ, ૩૦ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) તથા હરભજન સિંહ (પચીસ નૉટઆઉટ, ૧૧ બૉલ, બે સિક્સર, બે ફોર)ની છઠ્ઠી વિકેટ માટેની ૫૭ રનની ભાગીદારીએ ટીમને ૧૩૯ રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું.