ઇંગ્લૅન્ડ વતી રમવાનું છોડી દેવાની પીટરસનની ધમકી

14 August, 2012 05:59 AM IST  | 

ઇંગ્લૅન્ડ વતી રમવાનું છોડી દેવાની પીટરસનની ધમકી

લંડન: સાઉથ આફ્રિકા સામે ડ્રૉ થયેલી બીજી ટેસ્ટમૅચમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવનાર કેવિન પીટરસને સાઉથ આફ્રિકા સામે ૧૬ ઑગસ્ટે શરૂ થતી છેલ્લી ટેસ્ટમૅચને અંતે ઇંગ્લૅન્ડની ટીમને અલવિદા કરવાનો સ્પષ્ટ સંકેત સોમવારે મૅચ પૂરી થયા પછી આપ્યો હતો.

તે ઇંગ્લૅન્ડ વતી આખું વર્ષ બધી સિરીઝોમાં નથી રમવા માગતો. જોકે ક્રિકેટ બોર્ડ બધા પ્લેયરો માટે એકસરખો નિયમ રાખવા માગતું તેની કોઈ રીતે ફેવર નથી કરવા માગતું.

ઇંગ્લૅન્ડનો આ પીઢ બૅટ્સમૅન વન-ડે અને વ્૨૦ ઇન્ટરનૅશનલને ગુડબાય કરી ચૂક્યો છે, પરંતુ બોર્ડ સમાધાન કરે તો એમાં ફરી રમવા માગે છે. પીટરસને સોમવારે પત્રકારોને કહ્યું હતું કે ‘મારે ઇંગ્લૅન્ડ વતી વધુ રમવું તો છે, પણ કેટલાક અંતરાયો છે જે દૂર થવા જરૂરી છે. મારી સાથે જે પૉલિટિક્સ રમવામાં આવી રહ્યું છે એનાથી કંટાળી ગયો છું.’

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

બીજી ટેસ્ટમૅચ ડ્રૉ

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે સોમવારે બીજી ટેસ્ટમૅચ ઘણા ઉતાર-ચડાવ પછી ડ્રૉ થઈ હતી. સાઉથ આફ્રિકાએ બીજો દાવ ૯ વિકેટે ૨૫૮ રનના ટોટલ પર ડિક્લૅર કરીને ઇંગ્લિશમેનોને જીતવા ૩૯ ઓવરમાં ૨૫૩ રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.

સ્ટુઅર્ટ બ્રૉડે પાંચ વિકેટ લીધી હતી. ટી ટાઇમ પછીના સેશનમાં સાઉથ આફ્રિકન બોલરોએ ૨૦ ઓવરમાં ઇંગ્લૅન્ડની ૧૦૬ રનમાં ૪ વિકેટ લઈને મૅચને નાટ્યાત્મક બનાવી દીધી હતી. જોકે જોનથન ટ્રૉટ (૫૭ બૉલમાં ૩૦ નૉટઆઉટ) તથા ઇયાન બેલે (૩૪ બૉલમાં ૩ નૉટઆઉટ) વધુ ધબડકો અટકાવ્યો હતો અને ૪ વિકેટે ૧૩૦ રનના ટોટલ વખતે ૬ ઓવર બાકી હતી ત્યારે બન્ને કૅપ્ટનોની સંમતિથી મૅચ ડ્રૉ જાહેર થઈ હતી.