ભારતીયોને પૂછજો કે ઇંગ્લૅન્ડની ટીમમાં કેવું દહેશતનું વાતાવરણ હતું : કેવિન પીટરસન

07 October, 2014 05:51 AM IST  | 

ભારતીયોને પૂછજો કે ઇંગ્લૅન્ડની ટીમમાં કેવું દહેશતનું વાતાવરણ હતું : કેવિન પીટરસન




ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને ઇંગ્લૅન્ડના પોતાના ભૂતકાળના સાથીક્રિકેટરો પર ટીમમાં જૂથવાદ તથા અન્ય ખેલાડીઓ પર ધાક જમાવવાનો આરોપ મૂક્યો છે. પીટરસને ભૂતપૂર્વ કૉચ ઍન્ડી ફ્લાવર પર દહેશત ઊભી કરવાનો આરોપ મૂક્યો હતો. ઇંગ્લૅન્ડ માટે તમામ ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા હોવા છતાં પીટરસનને ઑસ્ટ્રેલિયામાં ૨૦૧૩-’૧૪ની ઍશિઝ સિરીઝમાં ૫-૦થી થયેલી હારને કારણે ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

પીટરસને કહ્યું હતું કે ‘હું તમને વિશ્વના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના ફોન-નંબર આપી શકું છું. તમે તેમને ફોન કરીને પૂછજો કે ઇંગ્લૅન્ડની ટીમે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મારી સાથે કેવું વર્તન કર્યું હતું. ત્યારે તેમની વાત સાંભળજો.’

પોતાની આત્મકથાના લોકાર્પણ પૂર્વે ‘ટેલિગ્રાફ’ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે આ તમામ વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે ‘શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને ભારતીય ખેલાડીઓને પૂછી જોજો. મને ભારતીયોના એવા સંદેશ આવ્યા હતા જ્યારે તેઓ અહીં મૅચ રમવા આવ્યા હતા. ભારતીયોએ સંદેશમાં લખ્યું હતું કે અમને વિશ્વાસ નથી બેસતો કે તુ આવા ખેલાડીઓ સાથે રમી રહ્યો છે.

પીટરસને એક પુસ્તક લખ્યું છે જેમાં તેણે ઘણીબધી બાબતોનો ફોડ પાડ્યો છે. ‘ટેલિગ્રાફ’ને આપેલા ઇન્ટરવ્યુમાં પીટરસને કહ્યું હતું કે ‘મને એ વાતની ખબર નથી પડતી કે મને શા માટે કાઢી મૂકવામાં આવ્યો. કેટલાક સિનિયર બોલરો અને વિકેટકીપરનું એક જૂથ હતું જે બાકીના ખેલાડીઓ પર તેમની ધાક જમાવતું હતું. વિકેટકીપર મૅટ પ્રાયર ટીમ માટે ખૂબ જ નકારાત્મક વલણ ધરાવતો હતો. તે અમુક ખેલાડીઓની મજાક જ ઉડાડતો રહેતો હતો. ગ્રેમ સ્વૉન, સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસન કૅચ છોડનારા ફીલ્ડરોને ગાળો આપતા રહેતા.