પત્ની સાક્ષી જ નહીં, જાધવ પણ સમજે છે ધોનીની આંખના ઇશારા

17 June, 2017 07:51 AM IST  | 

પત્ની સાક્ષી જ નહીં, જાધવ પણ સમજે છે ધોનીની આંખના ઇશારા

ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આંખના ઇશારા પત્ની સાક્ષી જ નહીં, એક અન્ય ક્રિકેટર પણ સારી રીતે સમજવા માંડ્યો છે. ટીમમાં ધોની પહેલેથી જ સારા ક્રિકેટરોની રમતને સુધારવામાં અને તેમને મૅચવિજેતા ખેલાડીમાં પરિવર્તિત કરવા માટે જાણીતો છે. પોતાની કૅપ્ટન્સી દરમ્યાન ધોની રવીન્દ્ર જાડેજા માટે આ સફળ પ્રયોગ કરી ચૂક્યો છે. હવે કેદાર જાધવને મૅચવિજેતાના રૂપમાં ઢાળવામાં ધોની કૅપ્ટન કોહલીની મદદ કરી રહ્યો છે. જાધવે ગુરુવારે બંગલા દેશ સામેની મૅચમાં તમીમ ઇકબાલ અને મુશફિકુર રહીમની વિકેટ લઈને ભારતને જિતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાધવે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારતીય ટીમમાં છું ત્યારથી ધોની સાથે ઘણો સમય વિતાવું છું અને તેની પાસેથી ઘણું શીખવાનો પ્રયત્ન કરુ છું. હું તેની આંખો જોઈને એ જાણવાનો પ્રયત્ન કરુ છું કે તે શું ઇચ્છે છે. તે જેવું ઇચ્છે છે એવી જ બોલિંગ હું કરું છું.’

કોહલીએ પણ એ વાત સ્વીકારતાં કહ્યું હતું કે ‘જ્યારે બંગલા દેશના બૅટ્સમેનો અન્ય સ્પિનરો સામે આરામથી રમી રહ્યા હતા ત્યારે ધોનીએ જાધવ પાસે બોલિંગ કરાવવાની સલાહ આપી હતી. કેદારે નેટ પર વધુ બોલિંગ નથી કરી, પરંતુ તે એક ચતુર ખેલાડી છે. તેને ખબર છે કે કયા બૅટ્સમૅનને મુશ્કેલી પડશે. બોલિંગ કરતી વખતે તમે બૅટ્સમૅન તરીકે વિચારો તો લાભ થાય જ છે.’ 

કોહલી સંપૂર્ણપણે ફિટ છે : ભારતીય ટીમ

આવતી કાલે લંડનના ઓવલ મેદાનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમાશે એ દરમ્યાન કેટલાક એવા સમાચાર આવી રહ્યા હતા જેને કારણે ભારતીય સમર્થકો નિરાશ થવાના હતા. રિપોર્ટ એવા હતા કે કોહલી બીમાર છે અને ફાઇનલમાં તે રમશે કે નહીં એ નક્કી નથી. જોકે એ નિરાશા વધુ પ્રસરે એ પહેલાં ભારતીય ટીમે આ સમાચારને નકારી કાઢ્યા હતા. ભારતીય ટીમના મીડિયા-મૅનેજર ગૌરવ સક્સેનાએ કહ્યું હતું કે ‘કોહલી બીમાર નથી. કોહલીની તબિયત ખરાબ હોવાની વાતો ખોટી છે.’

ગુરુવારે કોહલીએ બંગલા દેશ સામેની મૅચમાં નૉટઆઉટ ૯૬ રન કર્યા હતા.