કશ્યપે ઇતિહાસ સરજ્યો, દીપિકાએ નિરાશ કર્યા

02 August, 2012 03:09 AM IST  | 

કશ્યપે ઇતિહાસ સરજ્યો, દીપિકાએ નિરાશ કર્યા

લંડન: 

કશ્યપે કરી સાઇનાની બરાબરી વર્લ્ડમાં ૨૧મો ક્રમાંક ધરાવતા કશ્યપે ગઈ કાલે

પ્રી-ક્વૉર્ટરમાં સંઘર્ષપૂર્ણ મૅચમાં શ્રીલંકાના નિલુકા કરુણારત્નેને ૨૧-૧૪, ૧૫-૨૧, ૨૧-૯થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો. પાંચ ફૂટ ૮ ઇંચ ઊંચા શ્રીલંકન સામે કશ્યપે જોકે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને દરેક પૉઇન્ટ માટે મહેનત કરવી પડી હતી. હવે કશ્યપનો મુકાબલો ક્વૉર્ટરમાં ઇન્ડોનેશિયાના સિમોન સૅન્ટોસો અને વર્લ્ડ નંબર ટૂ ચીનના લી ચૉન્ગ વેઇ વચ્ચે રમાનારી મૅચના વિજેતા સામે થશે.

આ સાથે કશ્યપ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનની ક્વૉર્ટરમાં પ્રવેશ કરનાર પહેલો ભારતીય પુરુષ બન્યો હતો. ૨૦૦૮ બીજિંગ ઑલિમ્પિક્સમાં તેના જ રાજ્ય હૈદરાબાદની સાઇના નેહવાલે પણ બૅડમિન્ટમાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને પહેલી ભારતીય મહિલા તરીકે સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટમાં ભારતીય પુરુષનો શ્રેષ્ઠ પર્ફોમન્સ ૧૯૯૨ બાર્સેલોના ઑલિમ્પિક્સમાં દીપંકર ભટ્ટાચાર્યનો તથા ૨૦૦૦ના સિડની ઑલિમ્પિક્સમાં પુલેલા ગોપીચંદનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલ સુધીની સફરનો હતો.

સ્પોર્ટ્સ મિનિસ્ટર અજય માકને કશ્યપને તેના આ સુપરપર્ફોમન્સ બદલ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર અભિનંદન આપ્યાં હતાં.

દીપિકા પહેલા જ રાઉન્ડમાં બહાર

દેશને જેની પાસે સૌથી વધુ આશા હતી તે વર્લ્ડ નંબર વન તીરંદાજ દીપિકાકુમારીએ નિરાશાજનક પ્રદર્શન કરતાં તે પહેલા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી મહિલાઓની ઇન્ડિવિજ્યુઅલ ઍલિમિનેશનના પહેલા રાઉન્ડમાં દીપિકાકુમારી યજમાન બ્રિટનની ઍમી ઓલિવર સામે ૨-૬થી હારી ગઈ હતી. ૨૦૧૦માં દિલ્હી કૉમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર દીપિકા ચાર સેટમાં એક પણ વખત પર્ફેક્ટ ૧૦ સ્કોર નહોતી મેળવી શકી, જ્યારે તેની પ્રતિસ્પર્ધી ઓલિવર એક વાર બુલની આંખનું પર્ફેક્ટ નિશાન તાકવા ઉપરાંત બે વાર પર્ફેક્ટ ૧૦નો સ્કોર મેળવવામાં સફળ થઈ હતી. દીપિકાકુમારી ટીમ ઇવેન્ટમાંથી આ પહેલાં આઉટ થઈ ગઈ હતી.

બૉક્સિંગમાં મનોજકુમાર પણ પ્રી-ક્વૉર્ટરમાં

૮૧ કિલોના વર્ગમાં ભારતનો મનોજકુમાર પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગયો હતો. આ સાથે આ વર્ષે પ્રી-ક્વૉર્ટરમાં પહોંચનારો તે પાંચમો બૉક્સર બની ગયો હતો. મનોજે મંગળવારે મોડી સાંજે તુર્કમેનિસ્તાનના સરડર હુડેબેર્ડિયેવને ૧૩-૭થી સજ્જડ પરાજય આપ્યો હતો. આ પહેલાં વીજેન્દર સિંહ (૭૫ કિલો), જય ભગવાન (૬૯ કિલો), વિકાસ ક્રિષ્નન (૬૯ કિલો) અને એલ. દેવેન્દ્રો સિંહ (૪૯ કિલો) પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગયા છે. શિવા થાપા (૫૬ કિલો) અને સુમીત સાંગવાન (૮૧ કિલો) પહેલા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધામાંથી ફેંકાઈ ગયા છે. મહિલા વિભાગની ભારતની એકમાત્ર સ્પર્ધક મૅરી કોમ (૫૧ કિલો) રવિવારે પહેલી મૅચ રમશે.

બીજી ઇવેન્ટમાં ભારતનો પર્ફોમન્સ

મેડલની દોડમાંથી બહાર થઈ ગયેલો સ્વર્ણ સિંહ ગઈ કાલે રૉવિંગમાં પુરુષોની સિંગલ્સ સ્કલ્ઝ માઇનર પ્લૅસિંગ્સમાં બીજા નંબરે રહ્યો છે, જ્યારે ડબલ્સમાં સંદીપકુમાર અને મનદીપ સિંહની જોડી છેલ્લા નંબરે રહી હતી.

ઑલિમ્પિક્સની હૉકીની ભારતીય પુરુષોની ટીમે ગઈ કાલે ફરી પરાજય જોવો પડ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે ભારતની ટીમની ૧-૩થી ભૂંડી હાર થઈ હતી. પહેલી મૅચમાં પણ ભારતનો નેધરલૅન્ડ્સ સામે ભારે સંઘર્ષ પછી ૨-૩થી પરાજય થયો હતો.

ભારતની રાહી સનોર્બાત અને અનુ રાજ સિંહ મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ કવૉલિફિકેશન રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. રાહી ૧૯મા અને અનુ ૩૦મા નંબરે રહી હતી.

મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની જોડી પણ મંગળવારે મોડી સાંજે ફ્રેન્ચ જોડી સામે સીધા સેટમાં ૩-૬, ૪-૬થી હારીને બહાર થઈ ગઈ હતી.

જ્વાલા-અશ્વિનીને એક પૉઇન્ટ ઓછો પડ્યો

બૅડમિન્ટનમાં મહિલા ડબલ્સમાં ભારતની જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ જોડી ગ્રુપ ‘બી’ની છેલ્લી લીગ મૅચમાં જીત મેળવી હોવા છતાં ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ નહોતી મેળવી શકી અને સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ હતી. જ્વાલા-અશ્વિનીએ મંગળવારે મોડી સાંજે સિંગાપોરની જોડીને ૨૧-૧૬, ૨૧-૧૫થી ફક્ત ૩૪ મિનિટમાં હરાવી દીધી હતી, પણ ગ્રુપ ‘બી’માં લીગ રાઉન્ડના અંતે ચાઇનીઝ તાઇપેઇ અને જપાન પછી ત્રીજા નંબરે રહેતાં ક્વૉર્ટર માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી. ગ્રુપ ‘બી’માં ત્રણેય ટીમે બે જીત અને એક હારથી સરખા પૉઇન્ટ મેળવ્યા હતા, પણ ટૉપ ટૂના નિર્ણય માટે આ મૅચોમાં જીતેલા પૉઇન્ટની ગણતરી કરતાં ભારતની જોડી મામૂલી એક પૉઇન્ટના ફરક સાથે ત્રીજા નંબરે રહી હતી અને ક્વૉલિફાય નહોતી થઈ શકી.

જાણીજોઈને મૅચ હારવા બદલ બૅડમિન્ટનના ૮ ખેલાડીઓ ડિસ્ક્વૉલિફાય

ગઈ કાલે બૅડમિન્ટનમાં ડબલ્સની એક મૅચમાં ચાઇનીઝ અને સાઉથ કોરિયાની બન્ને ટીમોએ ક્વૉર્ટર ફાઇનલમાં સરળ ડ્રૉ મળે એ માટે જાણીજોઈને મૅચ હારવાના પ્રયત્નો કર્યા હોવાના આરોપને લીધે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશને ચીન અને ઇન્ડોનેશિયાની એક તથા સાઉથ કોરિયાની બે જોડીને ઑલિમ્પિક્સ કૉમ્પિટિશનમાંથી ડિસક્વૉલિફાય કરી દીધી છે.

ભારતે તેની સ્ટાર જોડી જ્વાલા-અશ્વિની બે મૅચમાં જીત મેળવ્યા છતાં ફક્ત એક પૉઇન્ટને લીધે ટુર્નામેન્ટમાંથી આઉટ થતાં તેમની જાણીજોઈને હારવાની રણનીતિ સંદર્ભે વાંધો ઉઠાવ્યો હતો.

આજે ઑલિમ્પિક્સમાં ભારતની કઈ હરીફાઈઓ?

બૉક્સિંગ : પુરુષોનો લાઇટ વેઇટ (૬૦ કિલો) રાઉન્ડ : (૧) જય ભગવાન V/S ગની ઝાઇલોઉ (કઝાખસ્તાન), સાંજે ૬.૩૦. (૨) પુરુષોનો મિડલવેઇટ (૭૫ કિલો) રાઉન્ડ : વીજેન્દર V/S ટેરેલ ગૌશા (યુએસએ), મધરાત પછી ૨.૩૦.

શૂટિંગ : પુરુષોની ડબલ ટ્રૅપ ક્વૉલિફિકેશન : ફાઇનલ રાઉન્ડ : રંજન સોઢી, સાંજે ૭.૩૦, પુરુષોની ૨૫ મીટર રૅપિડ ફાયર પિસ્તોલ ક્વૉલિફિકેશન સ્ટેજ - ૧ વિજયકુમાર (બપોરે ૩)