ઝીરોમાંથી હીરો, કરુણારત્નેની કમાલ

29 December, 2014 06:16 AM IST  | 

ઝીરોમાંથી હીરો, કરુણારત્નેની કમાલ


ક્રાઇસ્ટચર્ચમાં હેગલ ઓવલ મેદાન પર ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચના ગઈ કાલના ત્રીજા દિવસે શ્રીલંકન ઓપનર દિમુથ કરુણારત્ને ઝીરોમાંથી હીરો બની ગયો હતો. ૨૬ વર્ષના લેફ્ટી બૅટ્સમૅન કરુણારત્ને પહેલી ઇનિંગ્સમાં પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો, પણ ફૉલોઑન બાદ કટોકટીમાં ૩૬૩ બૉલમાં ૧૭ ફોર સાથે કરીઅર-બેસ્ટ ૧૫૨ રન ફટકારીને એકલાહાથે ટીમને એક ઇનિંગ્સની હારની નામોશીમાંથી ઑલમોસ્ટ ઉગારી દીધી છે. કરુણારત્ને ઉપરાંત કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે પણ અણનમ ૫૩ રન ફટકારીને લડત આપી હતી. શ્રીલંકાએ દિવસના અંતે પાંચ વિકેટે ૨૯૩ રન બનાવી લીધા હતા. એક ઇનિંગ્સની હારથી બચવા હજી ૧૦ રન બનાવવાના છે અને પાંચ વિકેટ બાકી છે. ટ્રેન્ટ બૉલ્ટે બીજી ઇનિંગ્સમાં અસરકારક બોલિંગ કરતાં સૌથી વધુ ૬૨ રનમાં કરુણારત્ને સહિત ત્રણ વિકેટ લીધી હતી.

કરુણારત્નેના ૧૫૨ રન એ ફૉલોઑન બાદ કોઈ પણ શ્રીલંકન બૅટ્સમૅને ફટકારેલો શ્રેષ્ઠ સ્કોર બન્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ઝીરો બાદ બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારવાની કમાલ કરનાર તે માહેલા જયવર્દને, અરવિંદ ડિસિલ્વા અને કુમાર સંગકારા બાદ ચોથો લંકન ખેલાડી બન્યો હતો. એ ઉપરાંત કરુણારત્ને ન્યુ ઝીલૅન્ડમાં સેન્ચુરી ફટકારનાર માર્વન અટાપટ્ટé અને અશાંકા ગુરુસિંઘા બાદ ત્રીજો ઓપનર પણ બન્યો હતો. કરુણારત્નેની ટેસ્ટ-કરીઅરની આ પહેલી સેન્ચુરી હતી. આ પહેલાં તેનો હાઇએસ્ટ સ્કોર ૮૫ રન હતો.

પૉન્ટિંગનો રેકૉર્ડ ચૂક્યો સંગકારા

પહેલી ઇનિંગ્સમાં માત્ર ૬ રન બનાવનાર કુમાર સંગકારા બીજી ઇનિંગ્સમાં પણ ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ૨૦૧૪ની છેલ્લી મૅચમાં ફ્લૉપ સાબિત થનાર સંગકારા માટે જોકે આ વર્ષ લાજવાબ રહ્યું છે અને તેણે બધા જ ફૉર્મેટમાં કુલ ૨૮૧૩ રન ફટકાર્યા છે. જોકે એક જ વર્ષમાં સૌથી વધુ ૨૮૩૩ રનના ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગના રેકૉર્ડથી ફક્ત ૨૦ રન દૂર રહી ગયો હતો. પૉન્ટિંગે ૨૦૦૫માં ૪૬ મૅચની ૫૮ ઇનિંગ્સમાં ૨૮૩૩ રન ફટકાર્યા હતા, જ્યારે સંગકારાએ આ વર્ષે ૪૭ મૅચની ૫૬ ઇનિંગ્સમાં ૨૮૧૩ રન બનાવ્યા છે.