રણજી ટ્રોફીમાં લાગલગાટ બીજી સદી ફટકારી કરુણ નાયરે

02 November, 2025 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-ટીમ માટે સિલેક્ટરોએ કરેલી અવગણનાનો બૅટથી આપ્યો જવાબ

કરુણ નાયર

ઇંગ્લૅન્ડ ટૂર પર સાધારણ પ્રદર્શનને કારણે ભારતની ટેસ્ટ-ટીમમાંથી બહાર થયેલા કરુણ નાયરે રણજી ટ્રોફીમાં કમાલ કરી છે. ૩૩ વર્ષના આ બૅટરે રણજી ટ્રોફીમાં બૅક-ટુ-બૅક સદી ફટકારીને પોતાનો ક્લાસ બતાવ્યો છે. રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડની મૅચના પહેલા જ દિવસે કરુણ નાયરની અણનમ ઇનિંગ્સની મદદથી કર્ણાટકે કેરલા સામે ત્રણ વિકેટે ૩૧૯ રન કર્યા હતા. 

કરુણ નાયરે ગઈ કાલે ૨૫૧ બૉલમાં ૧૪ ફોર અને બે સિક્સરના આધારે ૧૪૨ રન ફટકાર્યા હતા. બીજા રાઉન્ડની મૅચમાં તેણે ગોવા સામે ૧૭૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. પહેલા રાઉન્ડની મૅચમાં તે સૌરાષ્ટ્ર સામે ૭૩ અને ૮ રનની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના પ્રદર્શનથી ફરી ભારતીય સિલેક્ટર્સને તેના વિશે વિચારવા મજબૂર કર્યા છે. તે વર્તમાન સીઝનની ૩ મૅચમાં ૩૯૭ રન કરીને બીજો હાઇએસ્ટ રન-સ્કોરર બૅટર બન્યો છે. 

રાજસ્થાનમાં મુંબઈ માટે યશસ્વીની ફિફ્ટી 
યજમાન રાજસ્થાન સામેની મૅચમાં મુંબઈ ૭૬.૩ ઓવરમાં ૨૫૪ રન કરી ઑલઆઉટ થયું છે. જયપુરમાં પહેલા દિવસના અંતે રાજસ્થાને પહેલી ઇનિંગ્સના અંતે ચાર ઓવરમાં ૧૦ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયા ટૂર પરથી આવેલા યશસ્વી જાયસવાલે મુંબઈ ટીમ માટેની કમબૅક મૅચમાં ૯૭ બૉલમાં ૮ ફોર અને એક સિક્સરના આધારે ૬૭ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. મુશીર ખાન ૧૩૧ બૉલમાં ૪૯ રન કરીને આઉટ થયો હતો, જ્યારે તેનો મોટો ભાઈ ૧૩ બૉલમાં ૧૫ રન કરી શક્યો હતો. બીજા રાઉન્ડની મૅચનો શતકવીર અજિંક્ય રહાણે ૧૧ બૉલમાં માત્ર ત્રણ રન કરી શક્યો હતો. 

sports news sports ranji trophy karun nair cricket news