ગેઇલનો ટી20માં વધુ એક વર્લ્ડ રેકૉર્ડ

25 February, 2021 10:44 AM IST  |  Karachi

ગેઇલનો ટી20માં વધુ એક વર્લ્ડ રેકૉર્ડ

ક્રિસ ગેઈલ

પાકિસ્તાની સુપર લીગની સોમવારે રમાયેલી એક મૅચમાં કૅરિબિયન જાયન્ટ અને યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલના ૪૦ બૉલમાં ૬૮ રનની ઇનિંગ્સ છતાં તેની ટીમ જીતી નહોતી શકી, પણ તેણે આ સાથે ટી૨૦ ક્રિકેટમાં વધુ એક વર્લ્ડ રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો. પાકિસ્તાન સુપર લીગમાં તેની આ પ્રથમ હાફ સેન્ચુરી હતી. આ ઇનિંગ્સ સાથે ગેઇલ ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ ૧૨ દેશમાં હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તે અત્યાર સુધી રોહિત શર્મા સાથે ૧૧ દેશમાં હાફ સેન્ચુરી સાથે સંયુક્ત રીતે વર્લ્ડ રેકૉર્ડ ધરાવતો હતો, પણ હવે તેણે રોહિતને પાછળ રાખી દીધો છે.

પાકિસ્તાન પહેલાં ગેઇલ ભારતમાં (૩૭), ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ (૨૦), બંગલા દેશ (૧૧), યુએઈ (૮), ઇંગ્લૅન્ડ (૭), સાઉથ આફ્રિકા (૭), ઑસ્ટ્રેલિયા (૭), ઝિમ્બાબ્વે (૩), શ્રીલંકા (૩), અમેરિકા (૩) અને ન્યુ ઝીલૅન્ડ (૧)માં પણ ૫૦ પ્લસનો સ્કોર ફટકારી ચૂક્યો છે. રોહિત શર્મા ૧૧ દેશમાં ભારત ઉપરાંત સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બંગલા દેશ, યુએઈ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, આયરલૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડમાં ૫૦ પ્લસનો સ્કોર ફટકારવામાં સફળ રહ્યો છે.

ટી૨૦ કા બૉસ હૈ ગેઇલ

ઓવરઑલ ટી૨૦ ક્રિકેટમાં ગેઇલના રેકૉર્ડ સામે દુનિયાભરના ખેલાડીઓ જોજનો દૂર છે. ગેઇલે અત્યાર સુધીમાં ૪૧૩ મૅચમાં હાઇએસ્ટ ૧૩,૬૯૧ રન બનાવ્યા છે, જેમાં તેની હાઇએસ્ટ ૧૭૫ રનની ઇનિંગ્સ સામેલ છે. તેણે હાઇએસ્ટ ૨૨ સેન્ચુરી અને ૮૬ હાફ સેન્ચુરી ઉપરાંત ૧૦૦૦ કરતાં વધુ સિક્સર અને ફોરની રમઝટ પણ બોલાવી છે. આ ઉપરાંત ૮૦ વિકેટ લઈ ચૂક્યો છે.

chris gayle cricket news sports news