કપોળ સમાજની સ્પર્ધામાં રસાકસી બાદ ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો એક રનથી પરાજય

03 December, 2012 06:50 AM IST  | 

કપોળ સમાજની સ્પર્ધામાં રસાકસી બાદ ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો એક રનથી પરાજય


પહેલી બન્ને લીગ મૅચમાં આસાન જીત મેળવનાર ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન ટીમનો ગઈ કાલે વોરા ડેવલપર્સ સામે ભારે ઉતાર-ચડાવ અને રસાકસી બાદ માત્ર એક રનથી પરાજય થયો હતો.

છેલ્લી ઓવરમાં ૨૩ રનની જરૂર

કેએસજી ઇન્ટર-ક્લબ વ્ચ્ફ્૧૦ ટુર્નામેન્ટમાં વોરા ડેવલપર્સે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી. ડેન્જરસ ઓપનર અમર ભુતાની અફલાતૂન ફટકાબાજી (૩ સિક્સર અને ૬ ફોર સાથે ૩૦ બૉલમાં ૫૮ રન) તથા નીરવ મહેતાની (એક સિક્સર અને ૩ ફોર સાથે ૮ બૉલમાં ૨૦ રન) છેલ્લી ઓવરમાં આકર્ષક બૅટિંગના જોરે ૧૦ ઓવરમાં ૧૦૮ રન બનાવીને ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન ટીમને ચૅલેન્જિંગ ટાર્ગેટ આપ્યો હતો.

ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન ટીમના ઓપનરો ધર્મેશ છેડા (૨૩ બૉલમાં ૪૩) અને યુવાંગ શાહે (૨૪ બૉલમાં ૨૩) ટાર્ગેટને ધ્યાનમાં રાખીને રમતાં ૬ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના ૬૬ રન બનાવીને જોરદાર શરૂઆત કરી હતી, પણ છઠ્ઠી ઓવરમાં ૩ અને સાતમી ઓવરમાં ફક્ત ૬ રન જ બનતાં છેલ્લી બે ઓવરમાં ૩૪ રન બનાવવાના હતા. નવમી ઓવરમાં ૧૧ રન બન્યા હતા અને ધર્મેશ છેડાની વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ છેલ્લી ઓવરમાં ૨૩ રન બનાવવાના હતા. પહેલા બૉલે હશુર્લ નંદુએ એક રન લઈને કૅપ્ટન ખીમજી મકવાણાને સ્ટ્રાઇક આપતાં બીજા અને ત્રીજા બૉલમાં સિક્સર અને ચોથા બૉલમાં બે રન લઈને ૧૪ રન બનાવતાં છેલ્લા બે બૉલમાં જીત માટે ૮ રનની જરૂર હતી, પણ પાંચમા બૉલમાં ખીમજી મકવાણા કૅચ-આઉટ થતાં ટીમને ફટકો પડ્યો હતો. છેલ્લા બૉલમાં હશુર્લ નંદુએ સિક્સર તો ફટકારી હતી, પણ ટીમ યાદગાર જીતથી માત્ર એક રન દૂર રહી ગઈ હતી.




મૅન ઑફ ધ મૅચ : વોરા ડેવલપર્સનો અમર ભુતા (૩૦ બૉલમાં ૫૮ રન)

બેસ્ટ બૅટ્સમૅન : ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો ધર્મેશ છેડા (૨૩ બૉલમાં ૪૩ રન)

બેસ્ટ બોલર :
ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવનનો ખીમજી મકવાણા (૧૦ રનમાં એક વિકેટ)

આવતી રવિવારે બે મૅચ

ગુજરાતી મિડ-ડે એડિટર્સ ઇલેવન ટીમ હવે આવતા રવિવારે બે મૅચ રમશે.