એક દિવસમાં ૯૩ ટીમોને રમાડીને કપોળ સ્પોર્ટ્સ ગ્રુપે સફળતાપૂર્વક પાર પાડ્યો મેગા ક્રિકેટસંગ્રામ

06 May, 2025 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૬થી કાર્યરત અને રમતગમતની સાથે સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ (KSG) દ્વારા ૧ મેએ બોરીવલીમાં યોજાયેલી કપોળ યુનિટી કપની ત્રીજી સીઝને જ્ઞાતિજનોને જલસો કરાવી દીધો હતો.

અલગ-અલગ ટર્ફ પર એકસાથે રમાઈ રહેલી મૅચો. તસવીર: સતેજ શિંદે

૧૯૯૬થી કાર્યરત અને રમતગમતની સાથે સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ (KSG) દ્વારા ૧ મેએ બોરીવલીમાં યોજાયેલી કપોળ યુનિટી કપની ત્રીજી સીઝને જ્ઞાતિજનોને જલસો કરાવી દીધો હતો. રેકૉર્ડ ૯૩ (પુરુષોની ૬૭, મહિલાઓની ૧૮ અને અન્ડર-14 બાળકોની ૮) ટીમો સાથે સવારે સાડાછ વાગ્યાની આસપાસ શરૂ થયેલો આ ક્રિકેટસંગ્રામ રાત્રે એક વાગ્યા સુધી ચાલ્યો હતો.

વહેલી સવારે ગણેશપૂજા, રાષ્ટ્રગીત તથા પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લોકો માટે બે મિનિટના મૌન બાદ શરૂ થયેલા મેગા ક્રિકેટસંગ્રામમાં સંઘર્ષમય મુકાબલાઓ બાદ પુરુષોમાં હરિલાલ વેલજી મસાલાવાળા અને યુનિટી ચૅમ્પિયન્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હરિલાલ વેલજી મસાલાવાળાએ ૬ ઓવરમાં ૮ વિકેટે બાવન રન બનાવ્યા હતા. ૫૩ રનના ટાર્ગેટ સામે યુનિટી ચૅમ્પિયન્સ ૫.૪ ઓવરમાં માત્ર ૨૮ રન બનાવીને ઑલઆઉટ થઈ જતાં હરિલાલ વેલજી મસાલાવાળા ટીમ ૨૪ રનથી જીત મેળવી ચૅમ્પિયન બની હતી.

મહિલાઓમાં કપોળ સુપરસ્ટાર્સ અને ટીમ વૈષ્ણવ વચ્ચે ફાઇનલ જંગ જામ્યો હતો. ટીમ વૈષ્ણવે આપેલા ૨૩ રનનો ટાર્ગેટ કપોળ સુપરસ્ટાર્સે પાંચ વિકેટ ગુમાવીને ૩.૨ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. અન્ડર-14 બાળકોની સ્પર્ધાની ફાઇનલ VNV વિક્ટર્સ અને પૂજાબાબુ પાંજરાપોળ ટીમો વચ્ચે રમાઈ હતી જેમાં VNV વિક્ટર્સે ૫૧ રનથી શાનદાર જીત મેળવી હતી.

કપોળ જ્ઞાતિની અનેક અગ્રણી સંસ્થાઓ અને મહાનુભાવોએ આ મેગા આયોજનમાં અમૂ્લ્ય અને માતબર સહયોગ આપ્યો હતો. અનેક અવરોધો અને પડકારો વચ્ચે અડીખમ વૉલન્ટિયરોની ટીમનો આ આયોજનની સફળતામાં મુખ્ય ફાળો હતો. છેલ્લા ૩ મહિનાથી યુનિટી કપની તૈયારીમાં સતત વ્યસ્ત એવા વૉલન્ટિયરો સારા ક્રિકેટર હોવા છતાં એક પણ ટીમમાં સામેલ નહોતા થયા, કારણ કે જો તેઓ કોઈ ટીમમાં સામેલ થયા હોત તો આયોજનની જવાબદારીને કદાચ પૂરતો ન્યાય ન આપી શક્યા હોત. એટલે તેમણે રમવાના આનંદને બદલે બીજાને રમાડવાનો આનંદ લેવાનું પસંદ કર્યું હતું.

borivali mumbai news mumbai cricket news cricket sports news sports