સાઉથ આફ્રિકાના જંગલમાં કપિલ ઇલેવનની હાર

16 November, 2011 09:25 AM IST  | 

સાઉથ આફ્રિકાના જંગલમાં કપિલ ઇલેવનની હાર



૬-૬ પ્લેયરો વચ્ચેની આ મૅચ વર્લ્ડ ક્રિકેટ લેજન્ડ્સ તરીકે ઓળખાઈ હતી. આ મૅચ ૧૫-૧૫ને બદલે ૧૨-૧૨ ઓવરની કરવામાં આવી હતી. બૅટિંગ-વિકેટ હોવાથી પુષ્કળ રન થયા હતા. જોકે બાઉન્ડરી બહુ નજીક હતી. મૅચ દરમ્યાન પ્લેયરોએ એકબીજાની મજાક કરતા રહીને વાતાવરણ ખૂબ હળવું બનાવી રાખ્યું હતું.

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સદગત મન્સૂર અલી ખાન પટૌડીનાં પત્ની શર્મિલા ટાગોરના હસ્તે ટૉસ ઉછાળ્યો હતો. ભારતે બૅટિંગ લીધી હતી. દિલીપ વેન્ગસરકરે સિક્સર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેમની અને સંદીપ પાટીલ વચ્ચે ૪૭ રનની ભાગીદારી થઈ હતી. કૅપ્ટન કપિલ દેવે પૉલ ઍડમ્સની છેલ્લી ઓવરમાં બે સિક્સર અને ત્રણ ફોર ઝીંકીને મૅચને અત્યંત રોમાંચક બનાવી મૂકી હતી. ભારતે ૩ વિકેટે ૧૪૩ રન બનાવ્યા હતા. જોકે મૅચ ડબલ-વિકેટ ફૉર્મેટ પર રમાઈ હોવાથી પ્રત્યેક વિકેટના ૧૫ રન પ્રમાણે કુલ ૪૫ રન ભારતના ટોટલમાંથી કપાઈ ગયા હતા અને સાઉથ આફ્રિકાને જીતવા ૯૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એણે મેળવી લીધો હતો.

માઇક પ્રૉક્ટરના નેતૃત્વવાળી સાઉથ આફ્રિકન ટીમ વતી ઍડમ્સ તેમ જ પીટર કસ્ર્ટને ફટકાબાજીથી શરૂઆત કરી હતી અને પછી ગ્રેમ પોલૉકે છેલ્લી ઓવરમાં આતશબાજી કરી હતી. સાઉથ આફ્રિકાએ ૧૪૫ રન બનાવવામાં ૩ વિકેટ ગુમાવી હોવાથી ટોટલમાંથી ૪૫ રન કપાઈ ગયા હતા. જોકે એ બાદબાકી બાદ પણ ટીમનું ટોટલ ૧૦૦ રહ્યું હતું જે જીતવા માટે પૂરતું હતું.

ભારતના બીજા પ્લેયરોમાં અજય જાડેજા, અંશુમાન ગાયકવાડ તથા રોજર બિન્ની હતા. સાઉથ આફ્રિકન ટીમમાં લાન્સ ક્લુઝનર, ઍન્ડ્ર્યુ હડસન પણ હતા.