પૉન્ટિંગે જાતે જ નિવૃત્તિ લેવી જોઈએ : કપિલ

21 December, 2011 09:26 AM IST  | 

પૉન્ટિંગે જાતે જ નિવૃત્તિ લેવી જોઈએ : કપિલ



ઈયાન ચૅપલે ભારતીય ટીમના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ વિશે જણાવ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયન ટીમમાં ઈજાગ્રસ્ત પ્લેયરોની સંખ્યા અત્યારે એટલી બધી છે કે એનો ભારતીય ટીમ ફાયદો ઉઠાવી શકે એમ છે અને પહેલી વાર ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટસિરીઝ જીતી શકે એમ છે. થોડા સમયથી માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપની સતત સારું નથી રમી શકી અને ખેલાડીઓની ઈજાએ એની ચિંતામાં ઉમેરો કર્યો છે. રિકી પૉન્ટિંગ ટીમમાં સ્થાન ટકાવવા સંઘર્ષ કરી રહ્યો છે. આ બધા કારણો ટીમ ઇન્ડિયાની તરફેણમાં જાય છે.’

કપિલ દેવે ચર્ચાસત્રને સંબોધતા કહ્યું હતું કે ‘ભારતીય ટીમમાં દરેક પ્લેયરે ૧૦૦ ટકા સંકલ્પશક્તિથી રમવું પડશે. સચિન તેન્ડુલકર ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી કરશે કે નહીં એ હજીયે ચર્ચાનો વિષય રહ્યો છે. જોકે ખરો વિષય તો ભારત કાંગારૂઓની ધરતી પર પહેલી વાર સિરીઝ જીતશે કે કેમ એ હોવો જોઈએ.’

કપિલે રિકી પૉન્ટિંગ વિશે જણાવ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાને બે કે ત્રણ સારા પ્લેયરો મળી જશે એટલે ટીમમાંથી રિકી પૉન્ટિંગની કાયમ માટે બાદબાકી થઈ જશે. જોકે તેના જેવા પ્લેયરને પડતો મૂકવામાં આવે એ જોવું મને ન ગમે. હું તો કહું છું કે પૉન્ટિંગે પોતે જ રિટાયરમેન્ટ જાહેર કરી દેવું જોઈએ.’

સંજય માંજરેકર અને અજય જાડેજાએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.