હદ બહારની પ્રસિદ્ધિ માણતો માણસ સાચા નિર્ણય લેવાનું ભૂલી જાય છે : કપિલ

14 December, 2012 03:29 AM IST  | 

હદ બહારની પ્રસિદ્ધિ માણતો માણસ સાચા નિર્ણય લેવાનું ભૂલી જાય છે : કપિલ



નવી દિલ્હી : ૧૯૮૩ વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે સચિન તેન્ડુલકરની નિવૃત્તિની અટકળને જોર અપાવે એવા મંતવ્યો એક અંગ્રેજી દૈનિકના લેખમાં વ્યક્ત કર્યા હતા. એમાં કપિલ દેવે લખ્યું હતું કે ‘મારી સાથે ૧૫ વર્ષની ઉંમરે રમેલો પ્લેયર અત્યારે લેજન્ડ તરીકે ઓળખાય છે. જોકે હું પ્રસિદ્ધિની દૃષ્ટિએ એવું માનું છું કે માણસ જ્યારે બહુ મોટો થઈ જાય ત્યારે સાચો નિર્ણય લેવાનું ભૂલી જતો હોય છે.’

કપિલે આ ઉપરાંત બીજા ઘણી ટકોર અખબારના લેખમાં કરી હતી :

સચિન તેન્ડુલકર અને તેની આસપાસના લોકો કદાચ એ નથી સમજતા કે ક્રિકેટની બહારનું એક સુંદર જીવન તેની પ્રતીક્ષા કરી રહ્યું છે. મને લાગે છે કે સચિનને કરીઅર વિશે સાચી સલાહ નથી મળી રહી. કદાચ તે રમવાનું ચાલુ રાખે એમાં બીજાઓને કોઈક રીતે ફાયદો થતો હશે. મારી સાથે પણ આવું બન્યું હતું એટલે આવું કહી રહ્યો છું. ત્યારે મને પણ સાચી સલાહ નહોતી મળતી. જોકે ત્યારે મારા કિસ્સામાં પૈસાની રેલમછેલ સચિનની બાબતમાં છે એવી નહોતી. ત્યારે હું પણ ક્રિકેટના પૅશનનો શિકાર હતો એટલે નહોતો છોડી શક્તો. જોકે મેં ક્રિકેટ પછીના સુંદર જીવનનું અનુમાન કર્યું એટલે ક્રિકેટને ગુડ બાય કરી દીધી હતી.

સચિનનો પ્રૉબ્લેમ કદાચ એ છે કે તેને તેનું મન અને હૃદય હજી રમવાની સલાહ આપે છે, પરંતુ તેના પગ તેને સાથ નથી આપતા.

સચિન એ ભૂલે છે કે ૨૩ વર્ષની ભવ્ય કારકિર્દીમાં તે બીજી પાંચ ઇનિંગ્સ રમશે એનાથી તેને કોઈ જ ફરક નહીં પડે. બીજાને પડતો હોય તો ભલે પડે, પરંતુ મને તો નહીં જ પડે. તે હવે પાંચ સેન્ચુરી ફટકારે કે પાંચ વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ જાય એમાં તેને કોઈ જ ફરક નથી પડવાનો. તે લેજન્ડ છે અને લેજન્ડ જ રહેશે.

તે અત્યારે જે સંઘર્ષ કરી રહ્યો છે એ જોઈને તેના કરોડો ચાહકોને બહુ દુ:ખ થતું હશે. તેમને તેમના ભગવાનની આવી હાલત નહીં જોવાતી હોય.

હું ફરી કહું છું કે સચિને ૨૦૧૧ના વર્લ્ડ કપ પછી જ રમવાનું છોડી દેવું જોઈતું હતું. એ ટ્રોફી તેનું સૌથી મોટું સપનું હતું અને એ હાંસલ થઈ ગયા પછી તેણે શું મેળવવાનું બાકી હતું એ જ મને નથી સમજાતું.

સિલેક્ટરો તેની પાસે કેમ સીધી ભાષામાં ખુલાસો નથી માગી લેતાં એ પણ મને નથી સમજાતું. એક સિલેક્ટર કહે છે કે સચિન પોતે નિર્ણય લેશે અને બીજા સિલેક્ટરો કહે છે કે અમે તેની સાથે ચર્ચા કરી લીધી છે. પ્લેયરો કરતાં સિલેક્ટરો હોદ્દાની દૃષ્ટિએ મોટા કહેવાય અને સૌથી સ્ટ્રૉન્ગ ટીમ પસંદ કરવાની જવાબદારી સિલેક્ટરોની કહેવાય. જો તેઓ એવું ન કરી શકે તો પોતાની ફરજ નથી બજાવતાં એવું કહી શકાય.

ધોની કૅપ્ટન કૂલ મટીને કૅપ્ટન હૉટ બને તો સારું : કપિલ


કપિલે દેવે મહેન્દ્ર સિંહ ધોનીને કૅપ્ટન્સી સંભાળવામાં આક્રમક અભિગમ અપનાવવાની સલાહ આપી હતી:

દરેક કૅપ્ટનની જેમ ધોનીએ પણ પોતાની જવાબદારીઓ બરાબર ઓળખવી જોઈએ અને ટીમના જે પ્લેયરોમાં તેને કમિટમેન્ટ ન જોવા મળે એવાને ટીમની દૂર કરી નાખવા જોઈએ. પોતે કૅપ્ટન છે એવું તેણે એવા પ્લેયરોને ઇશારામાં સમજાવી દેવું જોઈએ. ધોનીએ કૅપ્ટન કૂલ બનવાનું છોડીને હવે કૅપ્ટન હૉટ બનવાની જરૂર છે.

ધોનીએ સિનિયર પ્લેયરોનું માન રાખવું જોઈએ, પરંતુ મેદાન પર પોતે બૉસ છે એનું ભાન તેમને કરાવી દેવું જોઈએ. સૌરવ ગાંગુલી એ રીતે સુકાન બરાબર સંભાળતો હતો.

અત્યારે ધોનીની કૅપ્ટન્સીની ટીકા થાય છે એવી ૧૯૮૩માં મારી હાલત હતી. ધોની કરતાં ખરાબ હાલત કહું તો પણ ચાલે. ત્યારે વર્લ્ડ કપ જીત્યા પછી અમે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ ખરાબ રીતે હારી ગયા હતા અને કૅપ્ટનપદેથી મારી હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી.

દ્રવિડ પરથી પ્રેરણા લો


કેટલાક નવા નિશાળિયાઓને કરીઅરની શરૂઆતમાં કરોડો રૂપિયા મળવા લાગ્યા છે અને તેઓ શિસ્ત ભૂલી ગયા છે. તેમણે શિસ્તબદ્ધ રાહુલ દ્રવિડની કારકિર્દી પરથી પ્રેરણા લેવી જોઈએ