22 April, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ દેવ
ભારતના ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે ગૉલ્ફની રમત વિશે મોટું નિવેદન આપ્યું છે. કપિલ દેવ તેમની નિવૃત્તિના સમય બાદ એક ઉત્સાહી ગૉલ્ફર બની ગયા છે અને હાલમાં ‘પ્રોફેશનલ ગૉલ્ફ ટૂર ઑફ ઇન્ડિયા’ના પ્રમુખ છે. કપિલ દેવ કહે છે કે ‘ક્રિકેટ અને ગૉલ્ફ બન્નેમાં સમય અને પકડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમારો સમય ખરાબ હોય તો તમે બૉલને ખૂબ જ જોરથી ફટકારો છો. જો તમારી પકડ સાચી હોય તો પરિણામી શૉટ ભવ્ય હોય છે. મેં બન્ને રમત રમી છે અને એ બન્નેમાં શરીરનું સંતુલન એકદમ મહત્ત્વપૂર્ણ છે. મેં ક્રિકેટ છોડ્યું પછી ગૉલ્ફ રમવાનું શરૂ કર્યું. હું કહી શકું છું કે ગૉલ્ફ ૧૦૦ ટકા ક્રિકેટર્સને મદદરૂપ થઈ શકે છે. જો હું ક્રિકેટની સાથે ગૉલ્ફ રમ્યો હોત તો વધુ ૨૦૦૦ રન બનાવ્યા હોત, કારણ કે એનાથી મારાં ટાઇમિંગ, ફોકસ અને કૉઑર્ડિનેશન વધુ સારાં થયાં હોત. ગૉલ્ફ રમવાથી મળતા આનંદને હું શબ્દોમાં કહી શકું એમ નથી.’