કામરાન અકમલનો અનોખો રેકૉર્ડ, ટી૨૦માં૧૦૦ સ્ટમ્પિંગ કરનાર પ્રથમ વિકેટકીપર

15 October, 2020 02:38 PM IST  |  Karachi | IANS

કામરાન અકમલનો અનોખો રેકૉર્ડ, ટી૨૦માં૧૦૦ સ્ટમ્પિંગ કરનાર પ્રથમ વિકેટકીપર

અકમલ

પાકિસ્તાના શોએબ મલિકના ચારેક દિવસ પહેલાં ટી૨૦માં ૧૦,૦૦૦ રન પૂરા કરીને પ્રથમ એશિયન ખેલાડી બન્યાના પરાક્રમ બાદ હવે વિકેટકીપર-બૅટ્સમૅન કામરાન અકમલે એક નવો ઇતિહાસ રચ્યો છે. કામરાન અકમલ ટી૨૦ ક્રિકેટમાં ૧૦૦ સ્ટમ્પિંગ કરનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે. પાકિસ્તાનમાં હાલ ચાલી રહેલી ડોમેસ્ટિક ટી૨૦ ટુર્નામેન્ટ નૅશનલ કપમાં મંગળવારે શાન મસૂદને આઉટ કરીને તેણે આ લૅન્ડમાર્ક હાંસલ કર્યો હતો. કામરાને ટી૨૦માં અત્યાર સુધી ૨૬૪ મૅચમાં કુલ ૧૪૯ કૅચ પકડ્યા છે અને ૧૦૦ સ્ટમ્પિંગ કર્યાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કામરાનના ૧૦૦ સ્ટમ્પિંગના અચીવમેન્ટને બિરદાવતું પોસ્ટર શૅર કરીને તેને અભિનંદન આપ્યાં હતાં.
આ મામલે મહેન્દ્ર સિંહ ધોની કુલ ૮૪ સ્ટમ્પિંગ સાથે બીજા નંબરે, જ્યારે ૫૯ સ્ટમ્પિંગ સાથે દિનેશ કાર્તિક ત્રીજા નંબરે છે. જોકે ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ધોની ૯૮ મૅચમાં ૩૪ સ્ટમ્પિંગ સાથે પ્રથમ છે અને કામરાન ૫૮ મૅચમાં ૩૨ સ્ટમ્પિંગ સાથે બીજા નંબરે છે. બંગલા દેશનો મુશફિકુર રહીમ ૮૬ મૅચમાં ૨૯ સ્ટમ્પિંગ સાથે ત્રીજા નંબરે છે.

cricket news kamran akmal pakistan t20