11 December, 2025 02:31 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ અને બેન સ્ટોક્સ
ઍશિઝ ટેસ્ટ-સિરીઝની પ્રથમ બન્ને ટેસ્ટ જીતીને સિરીઝ જીતવા થનગની રહેલી ઑસ્ટ્રેલિયન ટીમે ગઈ કાલે ૧૭ ડિસેમ્બરથી ઍડિલેડમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટેના ૧૫ ખેલાડીની સ્ક્વૉડની જાહેરાત કરી હતી. એમાં એકમાત્ર બદલાવ પૅટ કમિન્સનો કૅપ્ટન તરીકેના કમબૅકનો જ હતો. સિલેક્ટરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઇન્જરીને લીધે પ્રથમ બન્ને ટેસ્ટ ગુમાવનાર કમિન્સ ત્રીજી ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી લેશે. આ ઉપરાંત બીજી ટેસ્ટ આશ્ચર્યજનક રીતે ડ્રૉપ થનાર સ્પિનર નૅથન લાયન પણ પ્લેઇંગ ઇલેવનમાં કમબૅક કરશે. આ ઉપરાંત કમરના દુખાવાને લીધે બીજી ટેસ્ટ ગુમાવનાર ઉસ્માન ખ્વાજા સમયસય ફિટ થઈને ફરી તેનું સ્થાન મેળવી લેશે કે નહીં એ હજી એક પ્રશ્નાર્થ બની રહ્યો છે.
મંગળવારે ઑસ્ટ્રેલિયાને એક ઝટકો લાગ્યો હતો અને તેમનો અનુભવી પેસબોલર જોશ હેઝલવુડ ઇન્જરીને લીધે આખી સિરીઝમાંથી આઉટ થઈ ગયો હતો.
સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડ આ વખતે કાંગારૂઓને કચડી નાખશે એવી ચર્ચાઓ હતી, પણ ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બન્ને ટેસ્ટ ૮ વિકેટે પ્રમાણમાં સહેલાઈથી જીતીને સિરીઝમાં ૨-૦થી લીડ લઈ લીધી છે. ઇંગ્લૅન્ડે હવે સિરીઝ જીતવા બાકીની ત્રણેય ટેસ્ટ જીતવી જરૂરી છે.