ક્રિકેટમાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ બહુ મહત્વનું છે : જૉન્સન

23 December, 2014 06:01 AM IST  | 

ક્રિકેટમાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ બહુ મહત્વનું છે : જૉન્સન



ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ જૉન્સનનું માનવું છે કે ક્રિકેટના મેદાન પર વિરોધી ખેલાડીઓમાં ભય પેદા કરવા માટે મનોવૈજ્ઞાનિક જંગ મહત્વપૂર્ણ છે અને એના માટે મુકાબલા દરમ્યાન બૉલ અને શબ્દ બન્નેનો ઉપયોગ કરતાં અચકાવું ન જોઈએ. ભારતને વર્તમાન સિરીઝમાં બૅટ અને બૉલ બન્નેથી પરેશાન કરનારા મિચલ જૉન્સને એક નવી DVD ‘મિચલ જૉન્સન : બાઉન્સિંગ બૅક’માં વિરોધી ટીમમાં ભય પેદા કરવા વિશેની વાત કરી છે.

વેબસાઇટ www.espn cricinfo.comના જણાવ્યા પ્રમાણે મિચલ જૉન્સને DVDમાં કહ્યું હતું કે ‘ઘણી વખત મેદાનમાં અમે બેકારની વાતો કરતા હોઈએ છીએ. ઘણી વખત જાણી જોઈને એવી વાતો કરીએ છીએ જેને કારણે બૅટ્સમૅન પરેશાન થઈ જાય. અમે એવા પ્રયત્નો કરીએ છીએ કે બૅટ્સમૅન પોતાના સ્ટાન્સ વિશે વિચાર કરવા લાગે અથવા તેને વધુ એક શૉર્ટ પિચ બૉલનો સામનો કરવો પડે. આ બધું દિમાગી ખેલ છે.’

મિચલ જૉન્સને કહ્યું હતું કે ‘ઘણી વખત એવું બને કે આ બધું ટીવી પર થોડું અલગ દેખાય. એવું લાગે કે અમે એકબીજા તરફ ઘૂરકી રહ્યા છીએ અથવા તો એવું લાગે કે અમે સીમાઓનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ અમે હંમેશાં સીમામાં રહેવાનો પ્રયાસ કરીએ છીએ.’

મિચલ જૉન્સનની બ્રિસ્બેનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓ સાથે મેદાનમાં તૂતૂ-મૈંમૈં થઈ હતી. ભારતીય ખેલાડીઓએ પણ બદલામાં તેની મજાક કરવાનો કોઈ મોકો છોડ્યો નહોતો. આ બોલરે પહેલી ઇનિંગ્સમાં ૮૮ રન બનાવ્યા હતા અને ભારતની બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટો લીધી હતી, પરિણામે ઑસ્ટ્રેલિયા આ મૅચ જીતીને સિરીઝમાં ૨-૦ની લીડ મેળવવામાં સફળ થઈ હતી.