ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બાયો-સિક્યૉર બબલથી કંટાળ્યો

16 September, 2020 04:59 PM IST  |  Manchester | ANI

ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બાયો-સિક્યૉર બબલથી કંટાળ્યો

જોફ્રા આર્ચર

ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર લગભગ છેલ્લાં ૧૬ અઠવાડિયાંથી બાયો સિક્યૉર બબલ એન્વાયર્નમેન્ટમાં રહીને કંટાળ્યો છે અને આ વાતાવરણમાં રહ્યાની અસર ક્યાંક તેના પર્ફોર્મન્સ પર પણ થશે એવી તેને ચિંતા છે. વાસ્તવમાં જોફ્રા ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમનો ત્રણેય ફૉર્મેટનો રેગ્યુલર પ્લેયર હોવાથી તેને સતત આ વાતાવરણમાં રહેવું પડ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની સિરીઝ બાદ હાલમાં તે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં પણ રમી રહ્યો છે.

આ એક માનસિક પડકાર છે


બાયો સિક્યૉર બબલમાં રહેવા વિશે વાત કરતાં જોફ્રાએ કહ્યું કે ‘આ એક માનસિક પડકાર છે. અમે અહીં છેલ્લાં ૧૬ અઠવાડિયાંથી છીએ. મારા ખ્યાલથી ઘરે નૉર્મલ વાતાવરણમાં રહેવા કરતાં આ એક અપવાદરૂપ સ્થિતિ છે. અહીંના નિયમો અલગ જ છે જેનું અમારે પાલન કરવું પડે છે. ટેસ્ટ ક્રિકેટ કરતાં ઓછો સમય મેં વાઇટ બૉલ ક્રિકેટમાં વિતાવ્યો છે. ખરું કહું તો તમે આખો દિવસ એકધારો સારો પર્ફોર્મન્સ ન આપી શકો. જ્યાં સુધી મને ખબર છે કે કોઈ એવો પ્લેયર નથી જે આ પરાક્રમ કરી શકે. વાતાવરણ બદલાતાં તમને ક્યારેક ઍડ્જસ્ટ કરવામાં તકલીફ પણ પડે, પણ જો તમે આ વાતાવરણ સાથે ઍડ્જસ્ટ કરી શકો તો કદાચ તમે સારો પર્ફોર્મન્સ આપી શકો છો. જ્યાં સુધી મારા બબલની વાત છે તો મને નથી ખબર કે મારે હજી કેટલો સમય આ વાતાવરણમાં રહેવાનું છે. ફેબ્રુઆરી મહિનાથી મેં મારી ફૅમિલીને નથી જોઈ અને આ સપ્ટેમ્બર મહિનો ચાલે છે. શેડ્યુલ પ્રમાણે મારી પાસે ડિસેમ્બરનાં કેટલાંક અઠવાડિયાં બચે છે. મારા ખ્યાલથી હું એ સમય મારા પરિવાર સાથે વિતાવવા માગીશ અને થોડો આરામ કરવા માગીશ.
શું છે જોફ્રાનું શેડ્યુલ?
જોફ્રા આર્ચર ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમતો જોવા મળશે. ત્યાર બાદ બાયો સિક્યૉર
બબલમાં રહીને જ તે નવેમ્બર મહિનામાં ટીમ સાથે સાઉથ આફ્રિકાની ટૂર પર જશે. આ ટૂર પૂરી થયા બાદ હોર્બટ હકિકેન્સ વતી તે બિગ બૅશ લીગમાં રમશે.
જોકે હાલમાં તે આ બિગ બૅશ લીગમાં રમશે કે નહીં એની કોઈ પુષ્ટિ નથી કરી રહ્યો. સંભવતઃ પરિવાર સાથે સમય વિતાવવા માટે તે આ લીગ ન રમે એવી પણ શક્યતા છે.

ઇંગ્લૅન્ડ-આૅસ્ટ્રેલિયા વચ્ચે આજે નિર્ણાયક વન-ડે

મૅન્ચેસ્ટર ઃ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે આજે (સાંજે ૫.૩૦ વાગ્યે) સિરીઝની ત્રીજી, છેલ્લી અને નિર્ણાયક વન-ડે જંગ જામશે. પહેલી વન-ડેમાં ૧૯ રનથી હાર રવિવારે બીજી મૅચમાં ઇંગ્લૅન્ડનો નાટ્યાત્મક ૨૪થી વિજય થતા સિરીઝ ૧-૧થી બરોબરીમાં આવી ગઈ છે. માથામાં વાગવાને લીધે પહેલી બન્ને વન-ડે ગુમાવનારી ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથ કદાચ આજે રમશે. વન-ડે સિરીઝ પહેલા રમાયેલી સ૨૦ સિરીઝ ઇંગ્લૅન્ડે ૨-૧થી જીતી લીધી હતી.