27 July, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો રૂટ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને અનુભવી બૅટર જો રૂટ માટે મોટી ભવિષ્યવાણી કરી છે. જો રૂટ (૧૩,૪૦૯) હવે સૌથી વધુ ટેસ્ટ-રનના સચિન તેન્ડુલકર (૧૫,૯૨૧)ના રેકૉર્ડને તોડવાથી ૨૫૧૩ રન દૂર છે.
માઇકલ વૉન કહે છે, ‘મને લાગે છે કે તે સચિનની બરાબરી કરશે. તે ઑલમોસ્ટ ૨૫૦૦ રન દૂર છે. જો તેને કોઈ ગંભીર ઇન્જરી ન થાય. જો તે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કર્યું એવું શાનદાર પ્રદર્શન રમતો રહ્યો તો મને લાગે છે કે તે ૨૦૨૭માં ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ-મૅચમાં પૅટ કમિન્સના કમર પર ફેંકવામાં આવેલા બૉલને મારશે અને કહેશે ખૂબ-ખૂબ આભાર અને તેની સાથે તે સચિનને પાછળ છોડી દેશે. મને લાગે છે કે તેનામાં જુસ્સો છે. તે ૩૪ વર્ષો છે અને સચિન ૪૦ વર્ષની ઉંમર સુધી રમ્યો હતો.’
વૉન વધુમાં કહે છે, ‘ટીમમાં હંમેશાં એક એવા યુવા પ્લેયરની જરૂર હોય છે જે ટીમમાં ઉત્સાહ લાવે. સિનિયર પ્લેયર્સને ટીમની બહાર જોઈને અમને હંમેશાં નિરાશા થાય છે. એક યુવાન પ્લેયર ટીમમાં આવે છે અને તમને યાદ અપાવે છે કે તમે રમત કેમ રમો છો. જો રૂટ હજી પણ તે યુવાન પ્લેયર છે. તે આ ટીમને પૂરા ઉત્સાહ સાથે આગળ લઈ જઈ રહ્યો છે.’
મને ખાતરી છે કે જો રૂટ નંબર વન ટેસ્ટ-બૅટર બનવા માટે ઉત્સુક હશે. તે રન બનાવવા માટે ભૂખ્યો છે. - ઇંગ્લૅન્ડનો ક્રિકેટર ઑલી પોપ