બૅડ લાઇટની સમસ્યાનું સમાધાન કાઢવું જોઈએ : રૂટ

19 August, 2020 04:08 PM IST  |  Southampton | IANS

બૅડ લાઇટની સમસ્યાનું સમાધાન કાઢવું જોઈએ : રૂટ

જો રૂટ

પાકિસ્તાન-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મૅચ વરસાદ અને બૅડ લાઇટને કારણે ડ્રૉ ગઈ હતી, એવામાં યજમાન ટીમના કપ્તાન જો રૂટનું કહેવું છે કે જ્યારે પ્લેયર્સ ગ્રાઉન્ડ પર હોય ત્યારે બૅડ લાઇટના મુદ્દાનું નિવારણ લાવવું જોઈએ. બીજી ટેસ્ટ મૅચમાં માત્ર ૧૩૪.૩ ઓવર રમાઈ હતી. આ મૅચ ઇંગ્લૅન્ડ ક્રિકેટના ઇતિહાસમાં નવમી સૌથી નાની ટેસ્ટ મૅચ બની હતી. ૧૯૮૭માં ઇંગ્લૅન્ડે લૉર્ડ્સમાં યોજેલી પાકિસ્તાન સામેની ટેસ્ટ બાદ આ સૌથી નાની ટેસ્ટ મૅચ બની હતી. આ વિશે વધુ જણાવતાં રૂટે કહ્યું કે ‘આ એવી સમસ્યા છે જેનું સમાધાન કાઢવું જોઈએ. કદાચ મારા પે ગ્રેડ કરતાં આ અગત્યનો મુદ્દો હોઈ શકે છે, પણ આવા પ્રકારની મુસીબતનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ જેથી વિના વિઘ્ને રમત રમી શકાય. આ ચર્ચાનો ઘણો મોટો વિષય બની શકે છે માટે એનું ક્યાંક ને ક્યાંક સમાધાન લાવવું જોઈએ. અમે દરેક પ્લેયર્સ રમવા માગીએ છીએ, પણ ખરાબ લાઇટ અને ભીના ગ્રાઉન્ડને કારણે કોઈ પણ પ્લેયરને ઈજા પહોંચે એવું ક્યારેય નથી ઇચ્છતા.’
પહેલી ટેસ્ટ મૅચ હાર્યા બાદ બીજી ટેસ્ટ મૅચ ડ્રૉ થતાં પાકિસ્તાને હવે સિરીઝ ડ્રૉ કરવા માટે છેલ્લી ટેસ્ટ મૅચ જીતવી જરૂરી છે. સિક્યૉરિટીના મુદ્દાને કારણે ૨૦૦૫ બાદ ઇંગ્લૅન્ડે પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો, પણ ૨૦૨૨માં તેઓ પાકિસ્તાનની ટૂર પર જઈ શકે છે.

pakistan england joe root test cricket