કિટ હોટેલમાં રહી જવાને કારણે મૅચ સ્થગિત

18 March, 2017 07:21 AM IST  | 

કિટ હોટેલમાં રહી જવાને કારણે મૅચ સ્થગિત



ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત ઝારખંડની ટીમના તેના સાથીઓને દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે ગઈ કાલે સવારે ત્યાં આગ લાગી હતી. આ ઘટના બાદ મૅચ-રેફરી સંજય વર્માએ મૅચ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે પાલમના વાયુસેના મેદાનમાં થનારી આ મૅચ આજે ફિરોજશા કોટલા મેદાન પર રમાશે. ફાઇનલ રવિવારને બદલે સોમવારે રમાશે.

ધોની અને ટીમના તેના સાથી આઇટીસી વેલકમ હોટેલમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યારે તેમને ઇમર્જન્સી સ્થિતિમાં બચાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે હોટેલમાં અંદાજે ૫૪૦ ગેસ્ટ હતા. ઝારખંડની ટીમના કોચ રાજીવ કુમારે કહ્યું હતું કે ‘બહુ જ ડરામણો અનુભવ હતો, કારણ કે વહેલી સવારે આગ લાગી હતી. અમને હોટેલમાંથી બહાર કાઢીને મેદાનમાં લાવવામાં આવ્યા હતા.’

મૅચ-રેફરીએ મૅચને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો, કારણ કે ટીમની કિટ હોટેલમાં હતી અને મૅચ શરૂ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. બન્ને ટીમો મેદાનમાં હતી, પરંતુ ઝારખંડના ખેલાડી માનસિક રીતે પરેશાન હતા. એથી ભારતીય ક્રિકેટ બોર્ડે તેમને માનસિક આઘાતમાંથી બહાર આવવા માટે એક દિવસનો સમય આપ્યો હતો. ઝારખંડના એક ખેલાડીએ કહ્યું હતું કે ‘જ્યારે અમે રેસ્ટોરાંમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યારે શ્વાસ રૂંધાઈ જાય એવી વાસ આવતી હતી. ત્યાર બાદ અમે જીવ બચાવવા માટે ભાગ્યા હતા.’

ફાયર-બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સવારે સાડાછ વાગ્યે વેલકમ હોટેલમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો. ૩૦ ફાયરફાઇટરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને સવારે નવ વાગી ને ૪૫ મિનિટે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.’

પોલીસના જણાવ્યા પ્રમાણે રિલાયન્સના શોરૂમમાં સૌથી પહેલાં આગ લાગી હતી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.