સેમી ફાઇનલમાં ભારત માટે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા પછી જેમિમા રૉડ્રિગ્સ ઇમોશનલ થઈ

01 November, 2025 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં હું દરરોજ રડી છું, માનસિક રીતે ઠીક નહોતી, ઍન્ગ્ઝાયટી સાથે સંઘર્ષ કર્યો, મૅચમાં જીઝસ મારી સાથે હતા

હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો જેમિમા રૉડ્રિગ્સે

મૅચના અંતમાં બાઇબલમાં લખેલાં વાક્યોનું પુનરાવર્તન કરતી હતી મુંબઈની આ ધાકડ ગર્લ જેમિમા ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત માટે સેમી ફાઇનલમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમનાર જેમિમા રૉડ્રિગ્સ મૅચ સમાપ્ત થયા બાદ ખૂબ રડી હતી. પ્રેઝન્ટેશન સેરેમની દરમ્યાન તેણે કહ્યું હતું કે ‘હું જીઝસનો આભાર માનવા માગું છું, હું આ એકલી ન કરી શકી હોત. 
હું મારાં મમ્મી, પપ્પા, કોચ અને મારામાં વિશ્વાસ રાખનાર દરેકનો આભાર માનવા માગું છું.’

જેમિમાએ ચોંકવાનારો ખુલાસો કરતાં કહ્યું કે ‘છેલ્લો મહિનો ખરેખર મુશ્કેલ રહ્યો છે. ગયા વર્ષમાં મને બહાર કરવામાં આવી હતી, હું ત્યારે સારા ફૉર્મમાં હતી. ત્યાર બાદ હું કંઈ પણ નિયંત્રિત કરી શકી નહીં. આ વર્લ્ડ કપ દરમ્યાન હું લગભગ દરરોજ રડી છું. હું માનસિક રીતે ઠીક નહોતી, ઍન્ગ્ઝાયટી સાથે સંઘર્ષ કરી રહી હતી. મૅચમાં શરૂઆતમાં હું મારી જાત સાથે વાત કરી રહી હતી. મૅચના અંતે હું બાઇબલમાં લખેલા એક વાક્યનું પુનરાવર્તન કરી રહી હતી. હું બોલી રહી હતી કે ફક્ત સ્થિર રહો અને ભગવાન મારા માટે લડશે. હું ફક્ત ત્યાં જ ઊભી રહી અને ભગવાન મારા માટે લડ્યા.’ 

આ વર્લ્ડ કપની સાત મૅચમાં તેણે એક સદી અને ફિફ્ટીના આધારે ૨૬૮ રન બનાવ્યા છે. વર્લ્ડ કપમાં એક મૅચ માટે ડ્રૉપ થયેલી જેમિમા સામાન્ય રીતે મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરે છે, પરંતુ સેમી ફાઇનલ દરમ્યાન મુંબઈની આ ધાકડ ગર્લે હોમ ગ્રાઉન્ડ પર ત્રીજા ક્રમે બૅટિંગ કરવાની ચૅલેન્જ સ્વીકારી હતી.

 સ્કોર ડિફેન્ડ કરતી વખતે અમે આક્રમક ન રહ્યા એ મને બિન-આ‌ૅસ્ટ્રેલિયન જેવું લાગ્યું. છૂટેલા કૅચથી મૅચની દિશા જ બદલાઈ ગઈ - ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલી

ભાર અને આ‌ૅસ્ટ્રેલિયાની સેમી ફાઇનલની નંબર ગેમ 
15 વન-ડે વર્લ્ડ કપમાં રેકૉર્ડ સળંગ આટલી મૅચ જીત્યા બાદ ઑસ્ટ્રેલિયાને હાર મળી. છેલ્લે ૨૦૧૭ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારત સામે જ હાર્યું હતું. 
679 ભારત-ઑસ્ટ્રેલિયાની મૅચમાં આટલા રન થયા. હાઇએસ્ટ રનવાળી વન-ડે વર્લ્ડ કપ મૅચ બની. 
339 વિમેન્સ વન-ડેમાં આટલા રનનો હાઇએસ્ટ ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકૉર્ડ કર્યો ભારતે. 
341- આટલા રનનો વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનો પોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો ભારતે. 
127- આટલા રનની જેમિમાની ઇનિંગ્સ વિમેન્સ વન-ડેના રનચેઝમાં ભારત માટે હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર રહ્યો.
167- જેમિમા અને હરમનપ્રીત વચ્ચે ઑસ્ટ્રેલિયા સામે થયેલી ભાગીદારી એ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે થયેલી હાઇએસ્ટ પાર્ટનરશિપ હતી.

Jemimah rodrigues indian cricket team indian womens cricket team australia cricket news sports news