પિન્ક બૉલ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સના ધબડકા બાદ કાંગારૂઓને પણ ઝટકા આપ્યા ભારતીય મહિલાઓએ

07 March, 2026 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમિમા રૉડ્રિગ્સની ફિફ્ટીના આધારે ભારત ૧૯૮ રને પહોંચ્યું, પહેલા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૯૬/૩...

જેમિમા રૉડ્રિગ્સે ૮૪ બૉલમાં ૭ ફોરની મદદથી બાવન રન કર્યા હતા

પર્થમાં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. પિન્ક બૉલથી રમાતી આ ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ભારતે ૬૨.૪ ઓવરમાં ૧૯૮ રનના સ્કોર પર ૧૦ વિકેટ ગુમાવી દીધી હતી. દિવસના અંતે યજમાન ટીમે ૨૭ ઓવરમાં ૯૬ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી હતી. ઑસ્ટ્રેલિયન ટીમ હજી મૅચમાં ભારતથી ૧૦૨ રન પાછળ છે. 
ભારત માટે ચોથા ક્રમે રમીને જેમિમા રૉડ્રિગ્સે ૮૪ બૉલમાં ૭ ફોરની મદદથી બાવન રન કર્યા હતા. આ પહેલાં રમેલી પોતાની પહેલી ત્રણેય ટેસ્ટ-મૅચમાં પણ જેમિમાએ ફિફ્ટી ફટકારી હતી. ઓપનર શફાલી વર્માએ ૪૮ બૉલમાં ૩૫ રન અને નીચલા ક્રમની બૅટર કાશ્વી ગૌતમે ૫૪ બૉલમાં અણનમ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. 
ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર્સ સાયલી સાતઘરેએ બે વિકેટ અને ક્રાન્તિ ગૌડે એક વિકેટ લઈને વીસમી ઓવરમાં યજમાન ટીમનો સ્કોર ૫૮/૩ કરી દીધો હતો. 

Jemimah rodrigues indian womens cricket team test cricket australia cricket news sports news